અમદાવાદ : ગુજરાતમાં સોફટવેર, ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, ઇલેકટ્રોનીક, આઇટી, આઇટીએસ, બીપીઓ-કેપીઓ, ટેલિકોમ-આઇએસપી સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને તેઓને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવાના હેતુથી રાજયમાં હવે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના એક નવા અભિગમને આગામી દિવસોમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવશે. આ માટે રાજયના આઇસીટી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા ગેસીઆ આઇટી એસોસીએશન દ્વારા ડિટેઇલ્ડ સર્વે, અભ્યાસ અને ડિજિટલ મેનેજમેન્ટ ડ્રાઇવ સહિતના અનેકવિધ પ્રોત્સાહક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે.
એટલું જ નહી, આગામી વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં પણ ગેસીઆ આઇટી એસોસીએશન ફયુચરીસ્ટીક ટેકનોલોજી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વની ભૂમિકા અદા કરશે એમ અત્રે ગેસીઆ આઇટી એસોસીએશનના અધ્યક્ષ મૌલિક ભણસાલી અને ઉપાધ્યક્ષ તેજિન્દર ઓબેરાયે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ફાર્મા, પેટ્રોકેમીકલ્સ, ઓટોમોબાઇલ્સ, જેમ્સ એન્ડ જવેલરી અને એÂન્જનીયરીંગ સર્વિસ સહિતના ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર છે અને વિદેશના બજારોમાં ખાસ કરીને વૈશ્વિક સ્પર્ધામાં પણ તે ઘણી ઉમદા તકો હાંસલ કરી શકે તેમ છે પરંતુ આઇટી અને ટેકનોલોજીની સાથે સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં હજુ રાજયના આઇસીટી ઉદ્યોગો થોડા ઉણા ઉતરી રહ્યા છે, તે કચાશ દૂર કરવાનો અને રાજયના આવા તમામ ઉદ્યોગોને ટેકનોલોજી ઇકોસીસ્ટમમાં સહાયભૂત બનવા અને તેમને ડિજિટલી સાઉન્ડ અને ફુલપ્રુફ બનાવવા ગેસીઆ આઇટી એસોસીએશને હવે અસરકારક પ્રયાસો હાથ ધર્યા છે. સાથે સાથે આ ઉદ્યોગોમાં ડિજિટલી કેપીબીલીટીની સક્ષમતા સજ્જ કરી કુશળ માનવબળની પણ જે ઉણપ છે, તેને પણ દૂર કરવાનો પ્રયાસ કરાશે. જેને પગલે રોજગારીની નવી અને વિશાળ તકો પણ ઉભી થશે.
આ માટે એસોસીએશન દ્વારા કુશળતા અને પુનઃકુશળતા વિકસાવવાના હેતુસર રાજયની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજા અને યુનિવર્સિટીઓ સાથે પણ કામ કરવામાં આવશે. તો, ભાવિ ઉદ્યોગો અને નવા ઉદ્યોગ સાહસિકોને કાયદા, બૌÂધ્ધક સંપદા, માનવ સંશાધન, ટ્રેડ ફેરમાં ભાગીદારી, આઇટી નીતિઓ, એમએસએમઇ નીતિઓ, સ્ટાર્ટ અપ સહિતના ક્ષેત્રોમાં માર્ગદર્શન અને સાચી દિશાની પણ તાતી જરૂરિયાત રહે છે, તો તેઓના માટે પણ એસોસીએશન દ્વારા વિનામૂલ્યે હેલ્પ ડેસ્કની સેવા સ્થાપવામાં આવશે. ગેસીઆ આઇટી એસોસીએશનના અધ્યક્ષ મૌલિક ભણસાલી અને ઉપાધ્યક્ષ તેજિન્દર ઓબેરાયે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં પણ ગેસીઆ આઇટી એસોસીએશન ફયુચરીસ્ટીક ટેકનોલોજી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વની ભૂમિકા અદા કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સોફ્ટવેર, બીપીઓ-કેપીઓ, ટેલિકોમ-આઇએસપી અને ઇલેક્ટ્રોનીક્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુસર એસોસીએશન તરફથી ગુજરાત સરકાર સાથે ભાગીદારીમાં મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરાઇ રહી છે, ત્યારે આગામી દિવસોમાં એસોસીએશનના ઉપરોકત ભાવિ આયોજનોમાં પણ સરકાર તરફથી પ્રોત્સાહન અને સહકાર પ્રાપ્ત થશે તેવી આશા એસોસીએશનના માનદ સચિવ પ્રણવ પંડયાએ વ્યકત કરી હતી. અત્રે એ નોંધનીય છે કે, ઓકટોબર-૨૦૧૮માં વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ્સ એન્ડ ટેકનોલોજી સમીટની ભવ્ય સફળતા મળ્યા બાદ ગેસીઆ આઇટી એસોસીએશને ગુજરાતના ઉદ્યોગજગતને આઇટી-ડિજિટલી ટ્રાન્સફોર્મેશનથી સજ્જ કરવાનું અભિયાન છેડયું છે, જેની પર આગામી દિવસોમાં રચનાત્મક કામગીરી હાથ ધરાશે.