ડાયાબીટીસ રોગના વધી રહેલા દર્દીઓને રોગ અંગે સાચી જાણકારી મળી રહે અને રોગથી ગભરાવાને બદલે તેની સંભાળ લેતા થાય તેવા આશયથી તૈયાર થયેલ ડૉ. તિવેન મરવાહના ડાયાબીટીસ અંગેના પુસ્તક, “ડાયાબીટીશની કડવી મીઠી વાતો” અને “ગોળ, ખાંડ,મધ અને સેકરીન કેટલા મીઠા કેટલા કડવા” પુસ્તકોનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ડૉ. મરવાહની દર્દીઓના રોગના ઉપચારની સરળ શૈલીમાં લખાયેલા ડાયાબીટીસ રોગ અંગેના બન્ને પુસ્તકો માટે શુભેચ્છા પાઠવતા જણાંવ્યું હતું કે, વિદેશની ધરતી પર શિક્ષણ મેળવી માતૃભુમિની સેવા કરવાનો વિચાર મનમાં રાખવો એ ડૉ. મરવાહની પ્રસંશનીય વાતો પૈકીની એક વાત છે.
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, દર્દીઓની સાચી સેવા કરનારા તબીબ દર્દી માટે ભગવાન સ્વરૂપ હોય છે. ભારતમાં જ્યારે ડાયાબીટીસના દર્દીઓની સંખ્યામાં અસાધારણ રીતે વધારો થઈ રહ્યો છે તેવા સમયે પ્રકાશિત થઈ રહેલા આ બન્ને પુસ્તકો દર્દીઓની સમસ્યાઓના ઉકેલ લાવવામાં લાભકારી નિવડશે.
રાજ્યપાલએ ભારતીય પરંપરામાં ધર્મની સાધના માટે જ્યારે શરીરનું સ્વસ્થ હોવું મહત્વનું છે ત્યારે આ પુસ્તક વાંચનાર દર્દીઓનું મનોબળ મજબૂત બનાવશે. રાજ્યપાલએ હિન્દુ ધર્મગ્રંથ ગીતાનો સંદર્ભ ટાંકી આહાર-વિહારની રસપ્રદ વાતો પણ ઉપસ્થિત લોકો સમક્ષ કરી હતી. ઉપરાંત યોગ અને નેચરોપેથી દ્વારા પણ ડાયાબીટીસના રોગ અંગેની સારવાર કરી સ્વસ્થ રહી શકાય તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે આ રોગ અંગેની જાણકારી ગુજરાત બહારના દર્દીઓ સુધી પણ સરળતાથી પંહોચી શકે તે અંગે આ પુસ્તકોનો ભારતની અન્ય ભાષામાં અનુવાદ થાય તેવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ડૉ. મરવાહને પુસ્તકોના વિમોચન બદલ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, આ પુસ્તકો ડાયાબીટીસ રોગની સાથે જીવી રહેલા દર્દીઓને હવે પછી સુંદર અને સ્વસ્થ કેવી રીતે જીવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમમાં કેન્સર રોગના તજજ્ઞ અને જાણીતા તબીબ પદ્મશ્રી ડૉ. પંકજ શાહ, અમદાવાદ ફીઝીશીયન એસોસિએશનનાં ડૉ. અશ્વિન ગઢવી, અમદાવાદનાં જોઈન્ટ કમિશનર જે. કે. ભટ્ટ તેમજ અમદાવાદનાં નામાંકીત તબીબ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.