ઢીંગલી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

આજે પીંકુને મળ્યો. ઘણું સારું લાગ્યું. તેની સાથે ગાળેલી આજની સાંજ મને હળવો બનાવી રહી છે. કેટલી ઓછી મીનીટો હતી એ. છતાય તે કેટલાય દિવસો, મહિનાઓ અને વરસોથી પણ વધારે લાંબી અને મધુરી હતી.

એના આવવા પહેલા હું કેવો ઉદાસ અને જીવન્તતાવીહોણો યંત્ર જેવો હતો એવું અત્યારે લાગી રહ્યું છે. મન પણ કેવું લુચ્ચું છે. જેને તે અત્યાર સુધી લેટ ગો કરતુ હતું તેને માટે સજ્જ થવા મથી રહ્યું છે.અત્યાર સુધી લય, ગતિ અને તન્મયતા સાથે ચાલવા માટે પાંગળી બનેલી પેન એકાએક ચાલવા લાગી.

આજ સુધી હું મારી એકલતાને એકાંતમાં ટપકાવતો રહ્યો હતો જેમાં માત્ર વેદના, ભય કે પછી કલ્પનામયી વાસ્તવિકતાની છબી માત્ર હતી જયારે આજે જીવંતતા, ઉત્સાહ અને હોશ છલકાઈ રહ્યા છે. પણ ડર કઈ ટેવ-વ્યસનની જેમ છૂટે? ડર મને સતાવ્યે જાય છે કે આ જીવંતતા એક સપનું માત્ર તો નથી ને.

પણ એક ઢીંગલી માટે રડી પડતી છોકરીની વાત પણ તો સાચી જ છે ને. આજે પીન્કુને મળતાની સાથે જ મને ઢીંગલી યાદ આવી ગયી હતી. સોળ વરસની એ પીંકુ ખુબ રડી હતી. ન ખાવું ન પીવું. ન કોઈ સાથે બોલવું.

પીન્કુનો પ્રશ્ન હતો કે શા માટે પપ્પાએ તેને ઢીંગલી લઇ આપવાને હા પાડી હતી? આજે સાત-સાત વરસ થઇ ગયા હોવા છતાં ઢીંગલી એને મળી નથી. પણ વાંક કોનો? જેટલી પીંકુ સાચી હતી સાથે તેના મમ્મી-પપ્પાનો તે વખતનો સમય પણ એટલો જ સાચો હતો. પીન્કુનું કહેવું હતું કે મારા માટે એક ઢીંગલી ન ખરીદી શકે તો પપ્પા શા માટે મને મારી લાડકી દીકરી કહી લાડ લડાવે છે? શું તેમને મન મારા કરતા પૈસા જ વધારે મહત્વના છે? એવું છે એટલે જ તો ટોય શોપમાં મને ગમેલી ઢીંગલીની પ્રાઈઝ વધુ હોવાથી પપ્પાએ લઇ નોતી આપી.

અને આ વાત યાદ કરાવતા મેં એને કહ્યું કે પીંકુ તને તો પછીના મહિનામાં તારા સારા રીઝલ્ટના બહાને ઢીંગલી મળી ગઈ હતી પણ આજે પાંચ વરસ પછી પણ હું મારી ઢીંગલીથી પર છું. શા માટે મમ્મી-પપ્પા એમની ખોટી જીદ છોડતા નથી? પાંચ વરસ થયા છે બંનેને જુદા થયાને અને એટલા સમયગાળામાં હું એ બંને અલગ વ્યક્તિત્વથી ઘણો જ દુર જઈ ચુક્યો છું અને છતાય તેઓ માત્ર પોતાનો હક જતાવવા પોતાની કામનાનો બોજ મારા પર દરેક મેઈલ કે કોલમાં યાદ અપાવાય છે.

મમ્મી મને પ્રોફેસર બનાવા માંગે છે તો પપ્પા બીઝનેસમેન પણ શા માટે તેઓને મારા સપનાની. મારી ઈચ્છાની પડી નથી? શા માટે તેઓ મારા માસ કમ્યુનીકેશન કરવાના ડીસીઝનથી દુખી-નિરાશ-નારાજ છે?

હું તેમને તેમના ગુણ દોષ સાથે સ્વીકારું છું તો પછી શા માટે તેઓ તેમ નથી કરી શકતા? શું પૈસો અને સ્ટેટસ જ માત્ર જીવન છે? જિંદગીને તેના સપના સાકાર કરવાની ઝંખના સેવવાની પણ સ્વતંત્રતા નથી?

મારી આંખના ખૂણે આવી ગયેલ આસું પીન્કુના મૌન આગળ રોકાય ગયા. એની એ ચૂપકીદીમાં લાગણી કે લાગણીહીનતા નોતી પણ ગંભીરતા અને ગરિમા જરૂર દેખાય આવતી હતી. જે કદાચ એની સાયકોલોજી સબ્જેક્ટ સાથે કરેલ માસ્ટર ડિગ્રીનું પરિણામ હતું અને એટલેજ એણે નિશ્વાસ નાખ્યા વિના મારી આંખોમાં આંખ પરોવતા વિચારોને ગુથતા કહ્યું હતું કે એ સાચું છે વિનય કે તારા જેવા ઘણાય લોકો આમ ગૂંગળાયને જીવ્યા કરે છે અને જીવી પણ જાય છે પણ શું તું જાણે છે જીવન એટલે શું? જીવન જીવી જવું એ તો સાવ સહેલી વાત છે પણ એના અનુભવનો આનંદ માણવો એ ખરું જીવન છે. તું શા માટે મમ્મી-પાપને આદર્શ માને છે? શું તને તેમનું જીવન અયોગ્ય નથી લાગતું? લાગે છે ને? તારા લાગવા ના લાગવાથી પર તેઓ પોતાની રીતે જીવી જ રહ્યા છે ને તો તું શા માટે તારા જીવનની જીવંતતાથી અલિપ્ત રહે છે? ભલે તેમને તારો નિર્ણય અયોગ્ય લાગ્યો હોય પણ તું તારી રીતે એને યોગ્ય બનાવ. મીડિયા તારા જીવનનું લક્ષ્ય હોય તો તે લક્ષમાં તારું જીવન પરોવ. તેના અનુભવો ને માણ.

જીવન તો બે કાઠે વહેતી નદી જેવું છે. તે પળ માટે પણ ગોધાય નથી રહેતું. તો પછી તું શા માટે તેને બંધિયાર બનાવવા પ્રયત્ન કરે છે? વળી એવું જરૂરી પણ નથી કે એક નદીના બંને કાઠાની સંસ્કૃતિ સરખી હોય. અને એવું હોય તો પછી જીવન જીવવાની મઝા જ શું આવે? સો પ્લીઝ. યુ ગેટ અપ એન્ડ વિલ વોક ઓન યોર પાથ વિચ ઈઝ કોલિંગ યુ.

સાચે જ મને પીંકુ સાચી લાગી. મારે જીવનને જીવવું છે અને તે પણ અનુભવોની સાથે. મોજ સાથે. આશા રાખું કે હવે મારી ડાયરીમાં ગુંગળામણની જગ્યાએ સ્વતંત્રતાનો આનંદ છલકાય.

 

Share This Article