અમદાવાદ : એક અગ્રણી એગ્રોકેમિકલ કંપની ધાનુકા એગ્રીટેક લિ. અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક દિવસ લાંબી વર્કશોપ ‘સુરક્ષા સંકલ્પ’નું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય ખેડૂતોને એક નવી વિદેશી જીવાત ફોલ આર્મીવોર્મ (Spodoptera Frugiperda)ના જોખમોનો સામનો કેવી રીતે કરવામાં આવે તે સમજાવવામાં આવ્યું હતું. આજે જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વર્કશોપ યોજાઈ હતી અને ગુજરાતના આણંદ ખાતે સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય ઉપકુલપતી ડા. એન.સી. પટેલે તેનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
મકાઈના પાક પર હુમલો કરતી આક્રમક જીવાત ફોલ આર્મીવોર્મે ગયા વર્ષે દેશના દક્ષિણ અને પશ્ચિમી ભાગોમાં પાકને ઘણું નુકસાન કર્યું હતું. આ જીવાત કર્ણાટકમાં સૌપ્રથમ વખત જોવા મળી હતી અને ક્રમશઃ કેટલાક અન્ય રાજ્યોમાં પણ તે ફેલાઈ હતી. મકાઈના ખેડૂતો, વૈજ્ઞાનિકો અને નીતિ ઘડનારાઓ માટે તે હજી પણ ગંભીર ચિંતાજનક બાબત છે.
આ વર્કશોપમાં વૈજ્ઞાનિકો, ચોક્કસ વિષયના નિષ્ણાતો, ખેડૂતો, વિતરકો, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ વગેરેમાંથી આવેલા લોકોએ આ સમસ્યા અને આ જંતુ/જીવાતનો સામનો કરવા માટેના શ્રેષ્ઠ એગ્રોકેમિકલ અંગે ચર્ચા કરી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતી ડા. એન.સી. પટેલે જણાવ્યું હતું કે, ‘અમે આવા શૈક્ષણિક કાર્યક્રમના આયોજન દ્વારા ખેડૂતો અને અન્ય સંબંધિત હિસ્સેદારોને મદદરૂપ થવા બદલ ધાનુકા એગ્રીટેક લિ.ના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. અમને ખાતરી છે કે આ પ્રકારના કાર્યક્રમોથી આ જીવાત અને તેનો સામનો કરવા માટે યોગ્ય ઉકેલ અંગે તેમના જ્ઞાનમાં વધારો થશે. કૃષિ ઉત્પાદક્તા વધારવાના આશયથી યોજાયેલી આ પ્રકારની વર્કશોપનો ભાગ બનવાનો અમને આનંદ છે.’
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના ડિરેક્ટર રિસર્ચ ડા. કે.બી. કથિરિયાએ જણાવ્યું હતું કે, ‘આણંદ કૃષિ યુનિવર્સિટી અને ધાનુકા એગ્રીટેક દ્વારા હાથ ધરાયેલી આ પ્રકારની પહેલને અમે આવકારીએ છીએ. ધાનુકા એગ્રીટેક નવીન પગલાં લે છે અને કૃષિ પદ્ધતિઓમાં સુધારો લાવી ખેડૂતોને મદદરૂપ થાય છે. આ પ્રકારની વર્કશોપ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાના અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના આશયોને અનુરૂપ છે.’
ધાનુકા એગ્રીટેક લિ.ના અધ્યક્ષ શ્રી આર. જી. અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘સરકાર કૃષિ અને ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ધાનુકા એગ્રીટેક પણ હંમેશા પાકની ઉપજ વધારવાનો સુસંગત ઉકેલ લાવવાની સાથે કૃષિ સમાજને મદદરૂપ થઈ છે. ફોલ આર્મીવોર્મ એક એવું ગંભીર જોખમ છે, જેણે ગયા વર્ષે ખેડૂતોની સખત મહેતનનો નાશ કર્યો હતો. આ જીવાતનો ખૂબ જ ઝડપથી વધારો થયો હોવાથી તેની નુકસાનકારક અસરો અને તેની સામે લડવા અંગે સંબંધિત હિસ્સેદારોને શિક્ષિત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. સમગ્ર ભારતની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં આ પ્રકારની વર્કશોપનું આયોજન કરવાની અમારી યોજના છે.’
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે આ જીવાત પર નિયંત્રણ માટે ૩ રસાયણો સ્પિનોટોર્મ ૧૧.૭% એસસી (ધાનુકા બ્રાન્ડ નામ લાર્ગો – LARGO), ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી (ધાનુકા બ્રાન્ડ કવર – COVER) અને થિઓમેથોક્સમ (ધાનુકા બ્રાન્ડ નામ ઈએમ-૧)ની ભલામણ કરી છે. ધાનુકા એગ્રીટેક લિ. તેની વિવિધ પહેલો મારફત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વિઝન હાંસલ કરવા તરફ કામ કરી રહી છે. ભૂતકાળમાં પણ કંપનીએ તેમના પાકની ઉપજ વધારવા નવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને શિક્ષિત કરવા સમગ્ર ભારતમાં સેમિનાર્સનું આયોજન કર્યા છે.
આ કાર્યક્રમમાં આણંદ યુનિવર્સિટીના વિવિધ પ્રોફેસર્સ અને ધાનુકાના અધિકારીઓ જેમ કે ધાનુકા એગ્રીટેક લિ.ના પ્રેસિડેન્ટ શ્રી પ્રમોદ કાનોડિયા, ધાનુકા એગ્રીટેક લિ.ના સલાહકાર ડા. ડી. જે. કોશિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના ડિરેક્ટર એક્સટેન્શન એજ્યુકેશન ડા. અરુણભાઈ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના ડિરેક્ટર ઓફ રિસર્ચ, ડા. કે. બી. કથિરિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કિટાણુવિજ્ઞાન (એન્ટોમોલોજી) વિભાગના વડા અને પ્રોફેસર ડા. પી. કે. બોરોડ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કિટાણુવિજ્ઞાન (એન્ટોમોલોજી) વિભાગના એસોસિએટ પ્રોફેસર ડા. ડી.બી. સિસોદિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કિટાણુવિજ્ઞાન (એન્ટોમોલોજી) વિભાગના પ્રોફેસર ડા. આર. કે. ઠુમ્મર અને ધાનુકા એગ્રીટેક લિ.ના ડીજીએમ શ્રી સી.એન. પટેલે હાજરી આપી હતી.