ધાનાણીના ઘેર જઇ અનામતના પ્રાઇવેટ બિલની માંગણી કરીશું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ધોરાજી ખાતે આજરોજ પાસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના તમામ કન્વીનરોની મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. ધોરાજીના લેઉવા પટેલ સમાજના ભવન ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ સહિતના પાસના કન્વીનર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ હાર્દિક પટેલ, મનોજ પનારા સહિતના તમામ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમ્યાન પાસના નેતા હાર્દિક પટેલે અનામત, અલ્પેશ કથીરીયાની જેલ મુકિત સહિતના મુદ્દાને લઇ આગામી કાર્યક્રમો જાહેર કર્યા હતા.

પાસના નેતા હાર્દિકે પટેલે પાસની આગામી રણનીતિ વિશે જણાવ્યું હતું કે, આગામી તા.૫ મી ડિસેમ્બરના રોજ  વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ઘરે જઇ અનામતના પ્રાઇવેટ બિલની માંગ કરાશે અને તારીખ ૨૦, ૨૧ અને ૨૨ ડિસેમ્બર એમ ૩ દિવસ અમરેલી જિલ્લાના ખેડૂતોની વેદના જાણવા માટે પગપાળા રેલી યોજાશે. આ ઉપરાંત સુરતમાં અલ્પેશ કથીરીયાની જેલ મુક્તિ માટે એક દિવસ ધરણાનો કાર્યક્રમ કરવાની જાહેરાત પણ કરી હતી. આ સિવાય આગામી જાન્યુઆરી મહિનાથી સિદસરધામ ખાતે માતા ઉમિયાના દર્શન કરી સૌરાષ્ટ્રના તમામ તાલુકા તેમજ ગામડાઓમાં ખાસ જનજાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવનાર હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આ પ્રસંગે જા મહારાષ્ટ્‌રમાં મરાઠાને અનામત મળે તો ગુજરાતમાં પાટીદારોને કેમ નહીં? તેવો સવાલ પણ હાર્દિક પટેલે ફરી એકવાર ઉઠાવ્યો હતો. હાર્દિક પટેલે આજે આગામી દિવસોમાં અનામતના મામલે તેની લડત વધુ મજબૂત બનાવવાનો સાફ સંકેત આપ્યો હતો.

Share This Article