અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે, દેશની રાજનીતિમાં યુવાનોનું ખૂબ જ મહત્વ છે. યુવાનોની ઉર્જા, કેલીબર, કેપેસીટી, કોન્ફીડન્સ, અને કેરેકટર દ્વારા દેશનો વધુ વિકાસ થશે પ્રજાએ લોકશાહીના જતન માટે ક્રીમીનાલીટીને નાબુદ કરી દરેક સમાજને સામાજિક ન્યાય મળે તે માટે જાતિ આધારીત રાજનીતિ દુર થાય તે આજની નિતાંત આવશ્યકતા છે.
ભાવનગર ખાતે ૮૨૦ કરોડના ખર્ચે બનનાર નારીથી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર ૭૫૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ કરીને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ભાવનગરવાસીઓને ગુજરાતીમાં અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઐતિહાસીક નગરમાં આવવાનો મને અવસર મળ્યો તેનો આનંદ છે. ગુજરાતના પનોતા પુત્ર વૈજ્ઞાનિક ર્ડા. વિક્રમ સારાભાઇ નો જન્મ દિવસને યાદ કરીને ઉપરાષ્ટ્રપતિએ દેશના વિકાસમાં ગુજરાતના મહાનસપૂતો પુ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઇ અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના યોગદાનની સરાહના કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૯૮૦૦ કિ.મી. રસ્તાઓનું અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૬૦૦૦ કિ.મી. રસ્તાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં દેશના તમામ ગામોને સાંકળી લઇ ૬૦,૦૦૦ કિ.મી. ના ગ્રામીણ માર્ગો બનાવવામાં આવશે. ગામડાઓને ઓપ્ટીકલ ફાઇબર અને વીજજોડાણથી જોડીને દેશમાં જે વિકાસ થઇ રહ્યો છે તેનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, પછાત વર્ગોનું ઉથ્થાન કરીને સર્વસ્પર્શી વિકાસને પ્રાથમિકતા આપી દેશને ભય, ભ્રષ્ટાચાર અને અત્યાચારથી મુકત બનાવવો છે.
વર્લ્ડ બેંક અને વર્લ્ડ ઇકોનોમીક ફોરમના રીપોર્ટની વિગતો આપી તેમને જણાવ્યું કે, ભારત શક્તિશાળી દેશ તરીકે વિકાસ કરી રહ્યો છે. આ ચારમાર્ગીય રસ્તાના નિર્માણથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનો સંપર્ક વધુ સરળ બનશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેટમેન્ટ રીજયનનાં વિકાસના કારણે ગતિ પકડાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિના હસ્તે મુખ્યમંત્રી ગુહ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત ૮૫૨ અને મહુવા ખાતેના ૩૩૬ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિના હસ્તે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના સાંસદ તરીકેના અનુભવોને આલેખતું ‘માય જર્ની ઇન પાર્લામેન્ટ’ પુસ્તકનું પણ વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના જાગૃત સાંસદ તરીકેની ભૂમિકાની પ્રસન્સા કરી જનપ્રતિનિધિનું કર્તવ્ય શું હોય છે. તે દર્શાવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકો વિકાસને વરેલા છે અને ખૂબ જ પ્રેમાળ છે. તેથી હું ગુજરાતને બહુ જ પસંદ કરું છું તેનો ઉલ્લેખ કરી ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, ગુજરાતના મહાનગરો નવી દિશા સાથે વિકાસ પામ્યા છે. રોજગારીના નવા અવસરો પણ ખૂલ્યા છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતુ કે, સર્વાગી વિકાસ માટે માર્ગ પરિવહન ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારની ભારતમાલા યોજના હેઠળ ખૂબ જ ઝડપથી માર્ગ વિકાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી રસ્તાઓનું નેટવર્ક મજબૂત બન્યું છે.