સીએમ નિવાસસ્થાને દેખાવો કરનાર કર્મીઓની અટકાયત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેડૂતોની સમસ્યા અને મોંઘવારીને લઈ સરકાર વિરૂદ્ધ ઠેર- ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે આજે રાજકોટમાં મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓએ સીએમ રૂપાણીના ઘર પાસે વિરોધ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે ૨૦થી વધુ લોકોની અટકાયત કરી છે.

બીજીબાજુ, કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી કુંવરજી બાવળીયાના ઘર પાસે વિરોધ કર્યો હતો. અને મોદીના માથાવાળો મોંઘવારીનો રાવણ બાળ્યો હતો. મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓમાં પગાર સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને આજરોજ મુખ્યમંત્રીના ઘર પાસે શ્રમ યોજનાના કર્મચારીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. જો કે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા કર્મચારીઓ સીએમના ઘર નજીક પહોંચે તે પહેલા જ ગાંધીગ્રામ પોલીસે ૨૦થી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

કુંવરજી બાવળીયાના ધર પાસે કોંગ્રેસનો વિરોધ ખેડૂતો અને મોંધવારીની સમસ્યાને લઈ કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી કુંવરજી બાવળીયાના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે જ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. શહેરના જલારામ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીનું પુતળાદહન કર્યું હતું. વિરોધ અને દેખાવોની આજની ઘટનાને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી પરંતુ પોલીસે ભારે સમયસૂચકતા દાખવતાં વિવાદ વધુ વણસ્યો ન હતો અને પરિÂસ્થત સુપેરે થાળે પડી ગઇ હતી.

Share This Article