અમદાવાદ : યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ મકાનધારકોને તેમના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મકાનોની જાળવણી માટે ખાસ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) આપીને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. તો હવે શહેરના હેરિટેજ મકાનોની ડિઝાઇન ખુદ અમ્યુકો દ્વારા બનાવી આપવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે. હેરિટેજ મકાનોની જાળવણી અને તેના ઐતિહાસિક વારસાને સાચવવાના ભાગરૂપે અમ્યુકોએ વધુ એક પ્રોત્સાહક પગલુ ભરવાનું નક્કી કર્યું છે. જોકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે આજે પણ કોટ વિસ્તારના નાગરિકોને પોતાના મકાનના હરિટેજ મકાન તરીકેના સ્ટેટસ અંગે ખાસ જાણકારી નથી.
જોકે તંત્ર દ્વારા આ માટેના ખાસ ટીડીઆર કેમ્પના આયોજન બાદ હવે હેરિટેજ લિસ્ટેડ મકાનધારકોની મકાનની ડિઝાઈનને મરમ્મત માટે સ્વખર્ચે તૈયાર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો ટેગ ગત તા. ૮ જુલાઈ, ૨૦૧૭એ અપાયો હતો તે વખતે સેપ્ટે રૂ. દોઢ કરોડના ખર્ચે કોટ વિસ્તારના મકાનો અને સ્થાપત્યને લગતા ડોઝિયરના આધારે યુનેસ્કોએ અમદાવાદને આવું ગૌરવપ્રદ સ્થાન આપ્યું હતું. જોકે સેપ્ટના સર્વે હેઠળના ડોઝિયરમાં કોટ વિસ્તારના ૨૨૩૬ રહેણાક અને ૪૪૯ સ્થાપત્યને ગ્રેડેશન મુજબ અલગ તારવાયા છે, પરંતુ તેમાં જે તે હેરિટેજ મકાનની ડિઝાઈનનો સમાવેશ કરાયો નથી. બીજી બાજુ તંત્રના તાજેતરના ટીડીઆર કેમ્પમાં કોટ વિસ્તારના અનેક લોકોએ પોતાનું મકાન હેરીટેજ લિસ્ટમાં છે કે નહીં તે અંગે જ વધારે પૂછપરછ કરી હતી. જે લોકોના મકાન હેરીટેજ લિસ્ટમાં મળી આવ્યા હતા તેવા લોકોને તેમના મકાનના પ્લાનને તંત્ર સમક્ષ રજૂ કરવાનું માર્ગદર્શન અપાયું હતું.
જોકે અનેક લોકો માટે ખાનગી કન્સલ્ટન્ટ પાસે મકાનના પ્લાન તૈયાર કરાવવાનું આર્થિક રીતે પોષાય તેમ ન હોઈ હવે તેમની મદદ માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓ આગળ આવ્યા છે. શહેરના કોટ વિસ્તારના ૨૨૩૬ હેરીટેજ મકાન ધરાવતા નાગરિકોના મકાનના પ્લાનને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વખર્ચે તૈયાર કરીને આપશે. આ માટે સત્તાધીશોએ ખાસ કન્સલ્ટન્ટની પેનલ નિમવાની દિશામાં હિલચાલ શરૂ કરી છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટના આધારભૂત વર્તુળોએ જણાવ્યું કે, તાજેતરમાં હેરિટેજ મકાન અને સ્થાપત્યની ડિઝાઈનમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા કન્સલ્ટન્ટની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ છે.
જેના આધારે પેનલ બનાવીને હેરિટેજ લિસ્ટેડ મકાનધારકોના મકાનની ડિઝાઈન તંત્ર બનાવી આપશે. આનાથી લોકોને મોટી આર્થિક રાહત મળશે. ઉપરાંત હેરિટેજ વિભાગના ચોપડે પણ જે તે હેરિટેજ મકાનની ડિઝાઈનનો રેકોર્ડ રહેશે એટલે તંત્ર તેવા મકાનમાં રિપેરિંગ અર્થે કરાયેલા ફેરફાર યોગ્ય રીતે થયા છે કે નહીં તેનું ક્રોસ ચેકિંગ પણ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ મકાનોને જે તે ગ્રેડેશન મુજબ હેરિટેજ પ્લેટ લગાવવાની દિશામાં કવાયત હાથ ધરાઈ હોઈ આગામી એક વર્ષમાં કોટ વિસ્તારના તમામ ૨૨૩૬ હરિટેજ મકાન અને ૪૪૯ હેરિટેજ સ્થાપત્યને ગ્રેડેશન અનુસાર હેરિટેજ પ્લેટ લગાવી દેવાશે.