અમદાવાદ શહેર માં ડેંગ્યુનો આતંક અકબંધ રહ્યો છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ડેંગ્યુના રેકોર્ડ કેસ નોંધાયા છે. આંકડા પર નજર કરવામાં આવે તો માત્ર નવેમ્બર મહિનામાં ૨૩ દિવસના ગાળામાં ૬૫૧ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પહેલીથી ૧૬મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૪૫૪ કેસો નોંધાયા હતા. ડેંગ્યુના કેસોમાં તીવ્ર વધારો નોંધાયો છે. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો છે અને આંકડો ૬૫૧ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો છે. ડિસેમ્બર મહિનાનો ગાળો બાકી હોવાથી આ આંકડો ચિંતાજનક સ્તરે પહોંચી શકે છે. ઝાડા ઉલ્ટીના ૨૩મી નવેમ્બર સુધી ચાલુ મહિનામાં ૩૬૭ કેસો નોંધાયા છે જ્યારે ૨૩ દિવસના ગાળામાં જ ડેંગ્યુના ૬૫૧ કેસ સપાટી ઉપર આવતા ચિંતા રહી છે.
આવી જ રીતે નવેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૨૩૯૮૯ લોહીના નમૂનાની સામે ૨૩મી નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ૮૭૩૨૯ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. નવેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૩૩૨૦ સિરમ સેમ્પલની સામે ૨૩મી નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ૪૩૯૦ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. કમળાના ૨૩ દિવસના ગાળામાં ૧૩૩, ટાઇફોઇડના ૨૬૮ કેસો સપાટી ઉપર આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૯૪૮૩ ક્લોરિન ટેસ્ટ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે.