અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોને રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. ઓકટોબર મહિનાના ગાળામાં જ અનેક કેસો નોંધાઈ ચુક્યા છે. ઓકટોબર મહિનાના ૨૭ દિવસમાં ઝાડા-ઉલ્ટીના ૩૦૫, કમળાના ૨૬૪, ટાઈફોઈડના ૩૧૭ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાંરૂપે પાણીના મુખ્ય સોર્સ અને ઘરોમાંથી ચાલુ માસ દરમિયાન ૨૦૦૧૯ રેસીડેન્ટ ક્લોરિટન ટેસ્ટ કરવામાં આવ્યા છે તથા હાઈરીસ્ક વિસ્તારો અને કેસો નોંધાયેલા હોય તેવા વિસ્તારોમાંથી આ માસ દરમિયાન ૧૯૯૬ પાણીના સેમ્પલ બેક્ટોરોયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે.
ચાલુ માસમાં ૪૧૮૭૬૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી ચાલી રહી છે. મચ્છરજન્ય રોગોની વાત કરવામાં આવે તો ૨૭મી ઓકટોબર ૨૦૧૮ સુધીમાં સાદા મેલેરિયાના ૩૩૩, ઝેરી મેલેરિયના ૭૮, ડેંગ્યુના ૨૫૮ અને ચિકનગુનિયાના ચાર કેસ નોંધાયા છે. ૨૭મી ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં ૧૧૭૮૬૭ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. બીજી બાજુ ૨૭મી ઓકટોબર ૨૦૧૮ સુધીમાં ૭૨૨૫ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. રોગોને નિયંત્રણ તથા અટકાવવાના ભાગરૂપે નક્કી કરવામાં આવેલા વોર્ડ વિસ્તારમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરી હજુ જારી રહેશે. અલગ અલગ વિસ્તારમાંથી ૨૫૭૯૫ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે.