દુષ્કર્મ કેસોમાં આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ:  ગત તા.૨૮ સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢુંઢર ગામમાં અનુપમ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકે સવા વર્ષની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરી ખેતરમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આરોપી પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે. તેમજ આરોપીને સજા અપાવવાને લઈ ઠાકોર સમાજ દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે. જેને પગલે રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઢુંઢરના એક અને સુરતના બે દુષ્કર્મ કેસમાં એક મહીનામાં જ અને ફાંસીની મહત્તમ સજા આપવાની માંગ કરવામાં આવી છે.

દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાઓને લઈ જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિના ગુના માટે દરેકને સજા આપી શકાય નહીં. કોંગ્રેસના કેટલાક નેતાઓ આ પ્રકારના આંદોલન કરી રહ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ સરકાર આરોપીઓને સજા કરાવવા કટિબધ્ધ છે. બીજીબાજુ, હિંમતનગરના ઢુંઢર ગામે થયેલા દુષ્કર્મ અંગે પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, અમે ઢુંઢર ગામ ખાતે સાળાના ઘરે ગયા હતા જ્યાં તેમની ચાની કીટલી છે અને તેની સામે ફેક્ટરી આવેલી છે. મારી દીકરી અન્ય ત્રણ બાળકો સાથે ચાની કીટલી પાસે ખાટલામાં સૂતી હતી.

સાંજે સાડા પાંચ વાગ્યે આ મજૂર ચા પીવા કીટલી પર આવ્યો હતો, ત્યારે તે મારી દીકરીને ઉપાડીને લઈ ગયો હતો. લાંબા સમય સુધી દીકરી નહીં મળતાં અમે શોધખોળ શરૂ કરી હતી, જેમાં મારી દીકરી ફેક્ટરી પાસેની ઝાડીમાંથી મળી આવી હતી. અગાઉ સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ શ્રમજીવી પરિવારની એક પાંચ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની હતી. હેવાનિયતની હદ વટાવી દે તેવી આ ઘટનામાં બાળકીના ગુપ્તાંગમાં અનેક જગ્યાએ ઇજાના નિશાન હતા અને લોહીલુહાણ થઇ ગઇ હતી. બાળકીને સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

બળાત્કારીને શોધી કાઢવા માટે લોક આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો. બાળકીના પરિવારજનોએ પોલીસને એવી માહિતી આપી હતી કે ગલીના કોઇ યુવાને બળાત્કાર કર્યો હતો અને તે ફરાર હતો એટલે પોલીસ ઉંધા રવાડે ચઢી ગઇ હતી. પરંતુ પોલીસને તપાસ કરતા ખબર પડી કે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર બહારનો નહીં પણ તેણીનો સગો ભાઇ હતો. ૨૯ સપ્ટેમ્બરની બપોરે સાડા બાર એક વાગ્યાના અરસામાં નવાગામ-ડિંડોલી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકી ગુમ થઈ હતી. આ બાળકીની માતા તેના અન્ય સંતાનને શાળાએ લેવા ગઈ તે વખતે આ બાળકી અને અન્ય એક સંતાન ઘરે હતાં. જ્યારે શાળાએથી બાળકીની માતા ઘરે પરત ફરી તો તેની પાંચ વર્ષની પુત્રી ઘરે હાજર ન હતી. તેના અન્ય સંતાનને પૂછ્યું તો પાડોશી મામા સાથે બહેન ગઈ છે તેમ કહ્યું હતું. આ સાથે જ પરિવારજનો મામાને શોધવાના કામે લાગ્યા હતા. કલાકોની જહેમત બાદ દારૂ પી લથડિયા ખાતી હાલતમાં પાડોશી મામો મળી આવ્યો હતો. જેને પરિવારજનોએ માર મારી બાળકી અંગે પૂછપરછ કરી હતી. તે વખતે પોતે કાંઈ જાણતો ન હોવાનું રટણ આ યુવાને કર્યું હતું.

આખરે તેને પોલીસને હવાલે કરાયો હતો. પોલીસને પણ આ યુવાને કલાકો સુધી ચકરાવે ચડાવી હતી. આખરે મોડી રાત્રે તેણે કબૂલાત કરી હતી. આમ, રાજયમાં છેલ્લા કેટલાક સમયથી નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી  જતાં રાજય સરકાર પણ ચિંતામાં મૂકાઇ છે અને તેથી ઢુંઢરના મામલે સરકાર તરફથી માનવીય અભિગમ દાખવી લોકોની લાગણીને ધ્યાનમાં લઇ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર પાઠવી આ દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજા ફરમાવાય તેવો અનુરોધ કર્યો છે.

Share This Article