ગીરમાં થયેલા સિંહોના મોત મામલે ફરી રાજકિય ગરમાવો શરૂ થયો છે. આજે વિરોક્ષ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સિંહોના રક્ષણ માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે, અને રૂપાણી સરકારને અનેક સવાલો કરવામાં આવ્યા હતા. ધાનાણીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, ગીરમાં સિંહોના મૃત્યુ એ કુદરતી નહી પરંતુ માનવસર્જિત હતા કારણ કે, એનઆઇવી(નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી)એ તાત્કાલિક રસી આપવાની સૂચના આપી હતી પરંતુ તેનું પાલન કરાયું ન હતું. સિંહોના મામલે રાજય સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના ચુકાદાની માર્ગદર્શિકાઓની પણ અવગણના કરાઇ છે. આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને સિંહોના મોત અંગે પત્રમાં ૧૩ સવાલો પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગીરમાં થોડા સમય પહેલા ૨૩ સિંહોના મોત થયા હતા
. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર માટે એક ગાઈડલાઇન જાહેર કરી હતી. હાઈકોર્ટે સરકારને તેનું યોગ્ય રીતે અમલીકરણ કરવા માટે નિર્દેશ આપ્યો છે. સાથે કોર્ટના નિર્ણય મુજબ થયેલી કામગીરીનો રિપોર્ટ તા.૧૫ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં સોંપવા આદેશ કર્યો છે. ત્યારે હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લખેલા પત્રમાં સિંહોના મોત અંગે વાત કરી છે. તેમણે સરકારને ટાંકીને લખ્યું છે કે, ગીર મેનેજમેન્ટ પ્લાન અને ગીર રક્ષીત જંગલમાં વન અધિકારીને ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. આ અધિકારીઓ ચાલીને જંગલમાં પેટ્રોલીંગ કરતા નથી. વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે સિંહના સંવર્ધન માટે કશુ કર્યુ નથી.
સિંહના સંવર્ધનના રૂપિયા તંત્ર ચાઉં કરી ગયું છે. કરોડો રૂપિયા ફાળવવા છતાં રાજ્યમાં રસી કેમ ન થઈ. ધાનાણીનો આક્ષેપ લગાવ્યો કે, સિંહોના મૃત્યુ માનવસર્જીત કહી શકાય તેમ છે. સરકારે સર્વોચ્ચ અદાલતની નોંધને પણ અવગણી છે ફોરેસ્ટર અને ફોરેસ્ટર ગાર્ડને દર મહિને ૧૦૦ કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે, તો રેન્જ ઓફીસરને દર મહિને ૮૦ કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. એસીએફને દર મહિને ૬૫ કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. અને ડીસીએફને દર મહિને ૫૦ કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અધિકારીઓ ૧૦ ટકા જોગવાઇનું પણ પાલન કરતા નથી. આ અધિકારીઓએ ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે તેના બદલે તેઓ જીપ્સી લઇને પેટ્રોલિંગ કરે છે જેના કારણે સિંહોની ખામીઓ સામે આવતી નથી. ધાનાણીએ આ તમામ સવાલો અંગે સરકારની સ્પષ્ટતા અને ખુલાસા માંગ્યા છે.