અમદાવાદમાં પર્યાવરણ જાળવણીની સુફિયાણી વાતો વચ્ચે નીકળી રહ્યું વૃક્ષોનું નિકંદન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિકાસની આંધળી દોટને લીધે ઠેર ઠેર પર્યાવરણનો ખાતમો થઇ રહ્યો છે. શહેરના વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે. એક તરફ, અમદાવાદ શહેરમાં ગ્રીન કવર ઘટી રહ્યુ છે. અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદમાં વૃક્ષોની સંખ્યા ઓછી છે છતાંયે તેમાં પણ જાણે ઘટાડો નોંધાઇ રહ્યો છે.

છેલ્લા સાત વર્ષમાં અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને જ ૫૦૧૩ લીલાછમ વૃક્ષો કાપી નાખ્યાં છે. ગુજરાત રાજયના ગ્રીન સિટીમાં અમદાવાદનો સાતમો ક્રમ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો એવો દાવો કરી રહ્યાં છે કે, શહેરમાં વૃક્ષોની સંખ્યા વધારી ગ્રીન કવર ૧૫ ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે પણ ખુદ મ્યુનિ.કોર્પોરેશન  વિકાસના કામોને આગળ ધરીને વૃક્ષોને કાપવાની મંજૂરી આપી રહી છે.

લીમડો, પીપળ, કણજી, ગુલમહોર, આંબલી, વડ, ગરમાળો,સપ્તવર્ણી સહિત અનેક જાતોના વૃક્ષો કાપવાની મ્યુનિ.કોર્પોરેશને મંજૂરી આપી છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે ૭૦૦ જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે. ખુદ મ્યુનિ.કોર્પોરેશનને માહિતી અધિકાર હેઠળ આ વાતને સ્વિકારી આંકડા રજૂ કર્યા છે. પર્યાવરણની જાળવણી અને વૃક્ષોના જતન કરવાની સુફિયાણી વાતો કરનારાં મ્યુનિ.શાસકો વૃક્ષોના નિકંદનની સાથે જો વૃક્ષારોપણ નહી કરે તો,અમદાવાદ શહેરમાં હજુય ગ્રીન કવર ઘટી શકે છે.

Share This Article