વિજયભાઇ રૂપાણીએ પ૮માં ગુજરાત ગૌરવ દિવસથી ૩૧મે સુધી ૧ માસ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લાના શેરથામાં તળાવ ઊંડા કરવાના કામનો સ્વયં જે.સી.બી. મશીન ચલાવીને પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યમાં જળસ્ત્રોતના પૂનઃજીવન માટે લોક સહયોગથી આરંભાયેલો સુજલામ-સુફલામ જળ અભિયાનનો મહાયજ્ઞ ગુજરાતને પાણીદાર બનાવનારૂં જનઅભિયાન બનશે, તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
તેમણે કહ્યું કે, આગામી ચોમાસા પહેલાં સમગ્ર રાજ્યમાં ૧૩ હજાર જેટલા તળાવો, ચેકડેમ-જળાશયો ઊંડા કરીને ૧૧ હજાર લાખ ઘનફૂટથી વધુ વરસાદી પાણીના સંગ્રહનો સંકલ્પ જનસહયોગથી પાર પાડવો છે.
મુખ્યમંત્રીએ ગ્રામીણ જનશકિતને આ અભિયાનમાં જોડાવાનું આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ જળસ્ત્રોતના નવસાધ્યકરણથી ભુતળ જળ ઊંચા આવશે. તેમણે પ્રગતિશીલ ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન દ્વારા પાણીની બચત કરી વધુ પાક લઇ સમૃધ્ધિ ભણી વળવા પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીએ આ અભિયાનમાં તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવવા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના, માતા યશોદા એવોર્ડ તથા નન્હી પરિ યોજના અન્વયે ઇસનપુર મોટા ગામની એમ.બી.પટેલ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા એક વર્ષમાં જન્મ લેનાર તમામ દીકરીઓને રૂપિયા પાંચ હજારના બોન્ડની સહાય પ્રતિક રૂપે આપી હતી. આ ઉપરાંત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જળસંચય અભિયાન અન્વયે ગ્રામીણ લોકો વધુ જાગૃત બને તે માટે આકર્ષક સૂત્રો અને બેનર્સ સાથેની વિશાળ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીનગર જિલ્લામાં જળ અભિયાન મહાયજ્ઞ દ્વારા કુલ ૧૩૮ તળાવ ઊંડા ઉતારવાનાં કામો, ૧૮૮ કામો વોટરશેડ યોજના અંતર્ગત કુલ ૯ ગામોમાં, ખેતતલાવડીના ૪૦ કામો, વન તલાવડી ર પ્રકારના કામો વન વિભાગ દ્વારા, ખારી નદી પૂનઃજીવીત કરવી, તળાવ ઊંડા કરવાના તથા ચેકડેમ ડીસીલ્ટીંગના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કામો માટે ૧૩૮ જે.સી.બી. અને ૭૯ ટ્રેકટર/ડમ્પરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર એસ. કે. લાંગાએ ગાંધીનગર જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનની પ્રચાર-પ્રસાર થયેલ કામગીરીનું સ્પાઇરલ આપીને જિલ્લામાં હાથ ધરાયેલા જળ અભિયાનની વિસ્તૃત માહિતી આપી હતી.