સુરત શહેરના અમરોલી અને છાપરાભાઠા વિસ્તારની પ્રાથમિક શાળાનાં બાળકોને ટ્યૂશન આપતા ગુરુકૃપા કલાસીસના સંચાલકો દ્વારા પ્રવાસે લઈ જવાયેલાં બાળકોની બસ શનિવારે મહાલ-બરડી પાડા વચ્ચે તીવ્ર વળાંક પર બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડની ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાળકો સહિત ૧૦નાં મોત થયા હતા. જ્યારે સંખ્યાબંધ ઈજાગ્રસ્ત થયા હતા.
ડ્રાઈવર દારૂ પીધેલો હોવાનું બહાર આવ્યું છે. જેને લઇ હવે પોલીસે આરોપી ડ્રાઇવર સંજય મહેતા અને ટયુશન કલાસીસના સંચાલક નીતા પટેલ વિરૂધ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો દાખલ કરાયો છે. બીજીબાજુ, રાજય સરકાર તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાંગ અકસ્માતમાં ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને રૂ.અઢી લાખની અને ઇજાગ્રસ્તોને રૂ.એક લાખની સહાયની મહત્વની જાહેરાત કરી હતી. ડાંગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવર સંજય જીતેન્દ્ર મહેતાને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તેને સિવિલ હોસ્પિટલમાં નજર કેદ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો, સુરત ભાજપ દ્વારા ડાંગ અકસ્માતના શોકમાં જસદણ પેટાચૂંટણીમાં ભાજપના વિજયની ઉજવણી નહીં કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર શનિવારે સુરતના અમરોલી વિસ્તારમાં ગુરુકૃપા ખાનગી ટ્યૂશન અને કોચિંગ કલાસ ચલાવતા સંચાલકો દ્વારા અમરોલી અને છાપરભાઠા વિસ્તારના ધો. ૧થી ૮માં અભ્યાસ કરતા ૭૦થી ૭૫ બાળકોને એક દિવસની ડાંગ જિલ્લાના શબરીધામ, પંપા સરોવર, મહાલ કેમ્પ સાઈટની સહેલગાહ પર આવ્યા હતા. સુરતની ખાનગી લકઝરી બસ (નં. જીજે-૫-ઝેડ- ૯૯૯૩) મહાલથી સાંજે ૬ વાગ્યાના અરસામાં નીકળી સોનગઢ માર્ગ પરથી સુરત જવા રવાના થઈ હતી. તે વેળા મહાલ-બરડીપાડા વચ્ચે ઘાટમાર્ગ પર આવેલા તીવ્ર વળાંક પર બસચાલક સંજય જીતેન્દ્ર મહેતાએ અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડની ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. બસ માર્ગ છોડી ખીણમાં પલટી મારી અસંખ્ય ગુલાંટ ખાતા બસના આગળના બે વ્હિલ બસની બોડીમાંથી છૂટા પડી જતા બસનો ખુરદો બોલી ગયો હતો.
અકસ્માતના સ્થળે મોબાઈલ નેટવર્ક ન હોવાથી મુશ્કેલી વધી હતી. તે માર્ગથી પસાર થતા અન્ય પ્રવાસીઓએ ૧૦૮ સહિત વહીવટીતંત્રને યેનકેન રીતે જાણ કરતા ૮ જેટલી ૧૦૮ ઘટનાસ્થળે ધસી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના વ્હિલ છૂટા પડી જઈ બસનો ખુરદો બોલી જતા બાળકો બસની બોડીમાં દબાઈ જવાથી ૪ જણાંના ઘટનાસ્થળે મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું. ૩૬ની કેપિસિટી ધરાવતી બસમાં ૮૦થી વધુ લોકોને બેસાડાયા હતા. ડ્રાઈવર દારૂ પીધેલો હોવાનું બહાર આવતાં આખરે ડ્રાઇવર અને ટયુશન સંચાલક વિરૂધ્ધ આજે કાયદેસર ગુનો દાખલ કરાયો હતો.
દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાંગ જિલ્લામાં પ્રવાસી બસ ખીણમાં પડી જતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારોને ૨.૫૦ લાખ રૂપિયાની સહાય આપવાની અને ઇજાગ્રસ્તોને ૧ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર આપશે એમ પણ તેમણે જાહેર કર્યું હતું. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મોતને ભેટેલાં વ્યક્તિઓના પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે. આજે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની રાજ્યના વન આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.