ગુજરાતી વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ‘થિંક બિફોર ક્લિક’ શીર્ષક હેઠળ સાયબર જાગૃતિ વ્યાખ્યાન યોજાયુ હતું. જે અંતર્ગત યુવા લેખક અને સાયબર નિષ્ણાત શ્રી કેવલ ઉમરેટિયાએ સાઈબર વિવિધ જોખમો, વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીની સદૃષ્ટાંત ચર્ચા કરી તેની સામે કઈ રીવિશ્વના તે સાવધાની અને સુરક્ષા રાખવી તે અંગે રસપ્રદ વાત કરી હતી. શ્રી કેવલ ઉમરેટિયાએ કહ્યું હતું કે ફોરવર્ડ મેસેજિસમાં અનેક જોખમી ફાઈલ હોય છે. ક્યારેક કંકોત્રી કે આમંત્રણ કાર્ડની પીડીએફ દ્વારા પણ એકાઉન્ટ ખાલી કરવામાં આવે છે.
ક્યારેક કુરિયર અંગેના ફોન કે મેસેજીસ દ્વારા કે ક્યારેક નકલી વેબસાઈટ દ્વારા ઓનલાઈન શોપિંગથી પણ છેતરપિંડી સંભવિત છે. એ માટે એક જાગૃત નાગરિક તરીકે અજાણ્યા નંબરથી આવતા મેસેજ ઓપન કરતા પહેલા વિચાર કરવો અને તપાસ કરવી હિતાવહ છે. યુવાઓ જ નહીં પણ ક્યારેક બાળકો પણ રમત રમતમાં મોબાઈલમાં ઘણી વાર ખોટા બટન દબાવીને મોટું નુકસાન કરી દેતા હોય છે. આ રીતે વિવિધ પાસાંઓ સમજાવીને તેમણે થિંક બિફોર ક્લિક દ્વારા સાઇબર અપરાધો વિશે સમજણ આપી હતી. સમય મુજબ કેવા કેવા પ્રકારના ક્રાઈમ સાઈબર જગત સાથે વિકસી રહ્યા છે તેની પણ રસપ્રદ રીતે છણાવટ કરી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી તેમની જિજ્ઞાસા પણ સંતોષી હતી. આ કાર્યક્રમ ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડો.પન્ના ત્રિવેદીના કો-ઓર્ડિનેશનમાં યોજાયો હતો. આ કાર્યક્રમની ભૂમિકા બાંધતા તેમણે જણાવ્યું હતું કે આપણને કલ્પના પણ ન હતી કે આપણે સાઈબર જાગૃતિ દિવસ ઉજવવો પડશે, પણ એ સમય આવી પહોંચ્યો છે. એમ કહીને ડો.પન્ના ત્રિવેદીએ ભૂમિકા રૂપે સાઇબર જાગૃતિની અનિવાર્યતા સ્પષ્ટ કરી હતી.
વિભાગીય અધ્યક્ષ ડો.નરેશ શુક્લએ આ કાર્યક્રમ સમયની જરૂરિયાત હોવાની વાત કહીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ સંચાલન ડો.આરતી પંચાલે કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ડો.ભરત ઠાકોર અને અન્ય અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.