અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે કસ્ટમ વિભાગ દ્વારા હાથ ધરાયેલી ચકાસણી કાર્યવાહી દરમ્યાન દોઢ કિલો સોનાના જથ્થા સાથે એક યુવક ઝડપાઇ જતાં એરપોર્ટ પર ભારે ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહી, યુવકની પૂછપરછ અને આ મામલાની પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર કામ કરતી ખાનગી એવિયેશન સર્વિસના બે યુવાનોની પણ સંડોવણી બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એકવાર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતાં કસ્ટમ વિભાગ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી અને એરપોર્ટ પર ચેકીંગ વધુ અસરકારક અને તેજ બનાવી દેવાયું હતું.
અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે કસ્ટમ વિભાગે કરેલી ચકાસણીની કાર્યવાહી દરમિયાન અરુણ એવિયેશન સર્વિસના વૃષભ નામના યુવાનની સંડોવણી સામે આવી હતી. તેની પૂછપરછમાં જેટ સ્કાય નામના એક અન્ય યુવાનની પણ સંડોવણી હોવાનો ખુલાસો થતાં તંત્ર ચોંકી ઉઠયુ હતું. સોનાની દાણચોરીની હેરાફેરીમાં અન્ય વ્યકિતઓની સંડોવણી હોવા અંગે પણ કસ્ટમ વિભાગ, એરપોર્ટ ઓથોરીટી અને સરદારનગર પોલીસે તપાસ આરંભી છે.
આ સમગ્ર કૌભાંડમાં એકાદ-બે આરોપીઓ હજુ ફરાર હોવાનું પણ જણાઇ રહ્યું છે. પેસેન્જરોના સોનાને ગ્રીન ચેનલમાંથી બચાવીને બહાર લઇ જતી વખતે એરપોર્ટની બહાર જ કસ્ટમ વિભાગે તેમને મળેલી બાતમીના આધારે સપાટો બોલાવ્યો હતો. એરપોર્ટ કામ કરતી ખાનગી એવિએશન સર્વિસના આ શખ્સો પેસેન્જરો સાથે મળીને સોનાની હેરાફેરી કરતા હોવાના કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. સુરક્ષા એજન્સીઓએ આ કૌભાંડમાં અત્યાર સુધી કેટલા સોનાની હેરાફેરી તેઓએ કરી છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
કસ્મટ વિભાગને આ સમગ્ર કૌભાંડમાં કોઇ મોટાં માથાંની સંડોવણી હોવાની પણ આશંકા હોઇ તપાસ તેજ બનાવાઇ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર સોનું પકડાવાની ઘટના બનતી હોય છે, પરંતુ આજના બનાવમાં ખુદ એરપોર્ટ કામ કરતી ખાનગી એવિએશન સર્વિસના કર્મચારીઓની જ સંડોવણી ખુલતાં ખળભળાટ મચી ગયો હતો.