અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંસ્કૃતને બધી ભાષાની મૂળભાષા ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતની બ્રાન્ડ ઇમેજની ક્ષમતા ધરાવતી આ ભાષાને સ્યુડો સેકયુલરીસ્ટ-ઢોંગી બિનસાંપ્રદાયિકોએ જૂદી રીતે ચિતરીને આપણા દેશની ધરોહર, માનબિંદુ પર કૂઠારાઘાત કરવાના પ્રયાસો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે એ વાત મધ્યનજર રાખીને આપણે સૌએ રાષ્ટ્રની ધરોહર-માનબિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન-વ્યાપ અને સંવર્ધન માટે પ્રતિબધ્ધ બનવું જ પડશે. મુખ્યમંત્રી ગાંધીનગર નજીક કોલવડામાં યોજાઇ રહેલા સંસ્કૃત ભારતી ગુજરાતના પ્રાંતીય અધિવેશનનો પ્રારંભ કરાવતાં સંબોધન કરી રહ્યા હતા.
આ અધિવેશન બે દિવસ માટે યોજાઇ રહ્યું છે અને સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસારનું સમૂહમંથન અહિં થવાનું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, સંસ્કૃત એવી ભાષા છે જેના બધા જ શબ્દોની ઉત્પતિ અને લક્ષ્ય માનવતાના કલ્યાણ માટેના છે. સમાજજીવનને સુસંસ્કૃત અને સંસ્કારિત કરવામાં સંસ્કૃત ભાષાનું મોટું પ્રદાન છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ અધિવેશનમાં ભાગ લઇ રહેલા સંસ્કૃત ભાષા પ્રેમીઓ-પ્રચારકોને આહવાન કર્યુ કે, આજના યુગમાં સંસ્કૃતની સ્વીકૃતિ અને પ્રસાર માટે કઠોર પરિશ્રમની આવશ્યકતા છે. આ માટે સંસ્કૃતનો વ્યાપ વધારી તેને સર્વસ્પર્શી અને સર્વસ્વીકૃત બનાવવા સંગઠનશકિતનો વિસ્તાર, શિક્ષકોને જોડીને લોકોને સરળતાથી સંસ્કૃતની સમજણ આપવી વગેરે પડકારો ઉપાડી લેવા તેમણે પ્રેરણા આપી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં સંસ્કૃતનો વ્યાપ વધે એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર કાર્યકર્તાઓના માધ્યમથી ઊભું કરવાની નેમ છે. સંસ્કૃત પ્રેમીઓ અને વિશેષજ્ઞો પણ ડીવોશન ભાવથી તેમાં જોડાય તે અપેક્ષિત છે. મુખ્યમંત્રીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી આ મૂળભાષાના ઉચ્ચ અભ્યાસની તકો પૂરી પાડી છે તેની ભૂમિકા આપી હતી.