અમદાવાદ: નારણપુરા વિસ્તારમાં રહેતા અને નિરમા યુનિવર્સિટી તેમજ પાલજ આઇટીઆઇના લોન્ડ્રીના કોન્ટ્રાકટરની કારમાં એક મહિલાએ લિફટ લીધી હતા અને બાદમાં તેના જ સાગરિતાએ રસ્તામાં આ કોન્ટ્રાકટરને આંતરી ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના માણસ તરીકે ખોટી ઓળખ આપી તમે લિફટ આપેલી મહિલાનું અપહરણ કર્યું એમ કહી ધમકાવી રૂ.પ૦ હજારનો તોડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
કોન્ટ્રાકટરની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે સમગ્ર મામલામાં તપાસ આરંભી હતી. આરોપીઓએ કોન્ટ્રાકટરને ગાંધીનગર પાસે જૈન ધર્મશાળામાં ગોંધી રાખી રૂ.૧૦ લાખની માગ કરી હતી, જે પૈકીના પૈસા લેવા યુવક સાથે આરોપીઓ બોડકદેવ વિસ્તારમાં યુવકનાં બહેન-બનેવીના ઘેર આવ્યા હતા. યુવક પૈસા લેવા ઉપર ગયો ત્યારે આરોપીઓ પકડાઇ જવાના ડરે કાર લઇ નાસી છૂટ્યા હતા.
વસ્ત્રાપુર પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નારણપુરાના રૂપલપાર્કમાં રહેતા અને નિરમા યુનિવર્સિટી તેમજ પાલજ આઇટીઆઇમાં લોન્ડ્રીનો કોન્ટ્રાકટ ધરાવતા મનોજભાઇ જાની (ઉં.વ.પપ) તેમની કાર લઇ ગઇકાલે બપોરે નાના ચિલોડા જવા નીકળ્યા હતા ત્યારે મોટા ચિલોડા જવાના રસ્તા પર એક ૪૦ વર્ષીય મહિલાએ મયૂરભાઇ પાસે હાથ લાંબો કરી લિફટ માગી હતી. મનોજભાઇ મહિલાને કારમાં બેસાડી મોટા ચિલોડા તરફ જવા નીકળ્યા તે દરમ્યાન થોડે આગળ ચાર અજાણ્યા શખસોએ કાર રોકી હતી.
ગાંધીનગર ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી ગાડીના કાગળ માગી ચેક કરવાનું જણાવ્યું હતું. ગાડીમાં બેઠેલી મહિલાનું તમે અપહરણ કર્યું છે તેમ કહી રકઝક કરી હતી. મનોજભાઇએ અપહરણ ન કર્યું હોવાનું જણાવ્યું હતું છતાં તેઓ માન્યા ન હતા. દરમ્યાનમાં એક વ્યક્તિ કારમાં બેઠેલી મહિલાને બાઇક પર લઇ જતો રહ્યો હતો. ત્રણ માણસો પૈકી એક વ્યક્તિએ કમરમાં પિસ્તોલ ભરાવી હતી. હિંમતનગર જવાના રોડ પર ત્રણેય વ્યક્તિએ મનોજભાઇને એક જૈન ધર્મશાળાના રૂમમાં ગોંધી રાખી રૂ.૧૦ લાખની ખંડણી માગી હતી.
મનોજભાઇ પાસે આઇટીઆઇમાં કામ કરતા કારીગરોના પગારના રૂ.પ૦ હજાર હતા તે પિસ્તોલ બતાવી માર મારી લૂંટી લીધા હતા. બીજા પૈસાની માગણી કરતા મનોજભાઇએ તેમના ભાઇ ચેતનભાઇ જાની, બહેન ડો. હિનાબહેન વિપુલભાઇ ઓઝા અને બનેવી ડો. વિપુલભાઇ ઓઝાને ફોન કરી જાણ કરી હતી. મોડી સાંજ સુધી પૈસાની માગણી કરાઇ હતી. બાદમાં આરોપીઓ સિંધુ ભવન રોડ પર પુષ્પવન ફલેટમાં મનોજભાઇના બહેનના ઘેર ગાડી લઇ આવ્યા હતા. ફલેટ નીચે ગાડી ઊભી રાખી મનોજભાઇને પૈસા લેવા ઉપર મોકલ્યા હતા. રૂ. પ૦ હજાર લઇ નીચે આવતાં ત્રણેય યુવકો ગાડી લઇ ફરાર થઇ ગયા હતા.
આમ, મહિલા અને ચાર યુવકોએ મનોજભાઇ પાસે ખંડણી માગવા માટે લિફટના બહાને બેસી ક્રાઇમ બ્રાંચના માણસોની ઓળખ આપી રૂ.પ૦ હજાર લૂંટી લીધા હતા તેમજ બાકીના પૈસા લેવા જતાં પકડાઇ જવાના ડરથી યુવકો કાર લઇ નાસી ગયા હતા. આ અંગે મનોજભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે કાર અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.