શેઠ ની દુકાને વાણોતરી કરતા વનાભાઈ ના નામ નું કવર આવ્યું. કવર ના ખૂણેલખ્યું હતું. “વના સિવાય કોઈ ખોલે નહી” સદભાગ્યે પોસ્ટમેને કવર વના ને જ આપ્યું. વના એ કોઈ ને ખ્યાલ ન આવે તેમ પેન્ટ ના ખિસ્સા માં સારકાવી દીધું. હમણાં વાંચી લઉં એમ વિચારી ને કોઠાર બાજુ જવા ગયો ત્યાં શેઠ આવી ગયા, કવર પેન્ટ માં જ રહ્યું
વનો વિચારે ચડ્યો કોનું કવર હશે? ચાંદલા ચૂંદડી થયા હોય એવા લોકોના કવર તો આવે વનો શરમાયો પોતે તો… કાચો કુવારો… કોઈ મિત્ર એ મશ્કરી કરી હશે? ના… ના… મારે એવો કોઈ મિત્ર પણ ક્યાં છે જે કવર લખે! હા… મારી સાથે ભણતી‘તી એ વનિતા… જેને હુ વનું કેહતો… એ પણ સામું મને વનું કેહતી… એ કવર લખે? ના… રે… ના… વનું પરણી ગઈ તેનેય દસકો વીત્યો હવે થોડી લખે! આમ વનાભાઈ નો મનો વ્યાપાર અટકતો નહતો… સાથે દુકાને આવ્યા ઘરકો ને સાચવવાના ને શેઠ તો વેપારેય ક્યાં અટકતો હતો!
વના ને એ યુક્તિ સુજી. સાંજે શેઠ ચા-પાણી પીવા જાય ને ત્યારે વાત. ચાર વાગ્યા… સાડા ચાર… શેઠ પણ આજે હાલતા નથી. અરેરે ભગવાન ખિસ્સા માં પડેલું કવર ક્યાંય ચેન પાડવા દેતું નથી વનો વિચારતો હતો ત્યાં શેઠ બોલ્યા. “વના, પેલા કવર નું શું થયું ? વનો ચમક્યો “હે શેઠ, કયું કવર? વળી વિચાર આવ્યો શેઠ ને ખબર પડી ગઈ હશે? વના એ ખિસ્સું દબાવી રાખી ને શેઠ સાથે વાત કરી ત્યાં શેઠ બોલ્યા, “કયું કવર, કયું કવર શું કરે છે? પેલા કરીયાણા ના ઓર્ડેર નું કવર અમદાવાદ રવાના કર્યું કે નહી?” વનો કહે, “હા… ઈ કવર તો મારા ખિસ્સા માં” ને પછી સજાગ બની ને બોલ્યો, “હા, એ તો સવાર માં જ પોસ્ટમેન સાથે મોકલ્યું છે ટીકીટ લગાવી ને રવાના કરી દેશે”
શેઠ ને વના ની લાપરવાહી ન ગમી છતા લાંબુ બગાસું ખાઈ ને બોલ્યા, “ચા નો ઓર્ડેર આપ એટલે આળસ ઉડે!”
વના એ વિચાર્યું શેઠ હવે દુકાન છોડવાના નથી. કવર ના વિચારો મારો કેડો છોડતા નથી. સાંજે ઘરે જઈને વાત. ઘેર પહોચ્યો ત્યાં ભાભી હાજર હતા. એકાદ-બે કામ ચિંધ્યા, કામ કરતા કરતા ઓશિકા નીચે કવર સંઘરાવા ગયો ત્યાં “કવર-કવર” બોલાઈ ગયુ. ભાભી સાંભળી ગયા. ભાભી કહે; “શું કવર કવર કરો છો? ઓશિકા નું કવર મેલું થઇ ગયું છે તો કાઢી નાખો… સવારે ધોવાઇ જાય.”
વનો બરાબર નો ભીડાયો આ કવર તો મારો જીવ ખાઈ ગયું ક્યારનોય સળવળાટ થાય છે વિચાર્યું તળાવ ની પાળે કોઈક ઝાડ ની પાછળ છુપાઈ ને વાંચી લઈશ. પછી બીક લાગી. કોઈ જોઈ જશે તો? શા… છુપાઈ ને ચિઠ્ઠી વાંચે છે? લફરું છે કે શું ? બીક ના માર્યા આ વિચાર પડતો મુક્યો.
વના ને કવર વળગ્યું હતું. હવે તો રાત્રેજ વાત એમ વિચારી ને ઓરડા માં ગયો ત્યાં લાઈટ ગઈ! માર્યા… હવે લાઈટ સવાર સુધી આવશે જ નહિ. વના એ આખી દુનિયા વેરી લાગી. શા… બધા મારી પાછળ પડ્યા છે એકાંત મળવા દેતા નથી જ્યાં મળ્યું ત્યાં વીજળી વેરી બની… વનાને વળી વિચાર આવ્યો મીણબતી લઇ ને વાચી લઉં. ઉભો થયો, મીણબતી પેટાવવા ગયો ત્યાં મોટાભાઈ બોલ્યા, “હવે શાંતિથી સુઈ રહે. મીણબતી પેટાવી ને અજવાળું કરવાની શી જરૂર છે? વનો થાકી હારી ને કપડા બદલી ને સુઈ ગયો. પેન્ટ ખીંટીએ ટીગાડ્યું તે સાથે કવર ટીંગાતુ રહ્યું
વના ને સપનું આવ્યું ઢગલો એક કવર પડ્યા છે. બધા કવર પર એકજ નામ વનો… વનો… ને. વનો… એક કવર ઉપાડી ને કવર તોડવા જાય ત્યાં ઊંઘ ઉડી ગઈ! બારી માંથી અજવાળું આવતું હતું સવાર પડી ગઈ આંખ ખુલી… તરત જ નજર ખીટી તરફ ગઈ! સામે થી પેન્ટ ગાયબ! દરરોજ ના નીયમ મુજબ ભાભી એ કપડા ધોવા માટે ડોલ માં પલાળ્યા. સાથે વના નું પેન્ટ પણ પલાળેલું ફાળ પડી! હાય… હાય… મારું કવર? ને દોડ્યો… બાથરૂમમાં પલાળેલા કપડા માંથી પોતાનું પેન્ટ કાઢી ને ઉચું કર્યું. … પેન્ટ માંથી પાણીની ધારા વહેતી થઇ… સાથે ખિસ્સામાં રહેલા કવર ના અક્ષરો પણ પાણી સાથે વાદળી રંગ બની ને ટપકી પડ્યા… ટપ… ટપ… ટપ… સાથે વના ની આંખ વરસી પડી ટપ… ટપ… ટપ…
Guest Author:
~ હસમુખ બોરાણીયા