દેશના અગ્રણી મુસ્લિમ નેતાઓ ગૃહમંત્રીને મળ્યાઃઆ એક અલગ જ અમિત શાહ હતા : મુસ્લિમ ધર્મગુરુ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુસ્લિમ ધર્મગુરુઓનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. શાહે રામનવમી પછી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ અને નફરત ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાની વાત કરી હતી. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મહમૂદ મદની, સેક્રેટરી નિયાઝ ફારુકી અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્યો કમલ ફારુકી અને પ્રોફેસર અખ્તારુલ વાસેએ કર્યું હતું. નિયાઝ ફારુકીએ જણાવ્યું કે પ્રતિનિધિમંડળે દેશની સામે ૧૪ પડકારોનો ઉલ્લેખ કર્યો. સાથે-સાથે બિહાર, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં સાંપ્રદાયિક હિંસાની તાજેતરની ઘટનાઓ અંગે પણ ચર્ચા કરાઇ હતી. તેમણે વધુમાં કહ્યું- આ એક અલગ જ અમિત શાહ હતા, જેમણે અમે રાજકીય ભાષણ આપતા જ જોયા છે. તેમણે સકારાત્મક પ્રતિક્રિયા આપી. તેમણે અમને શાંતિથી સાંભળ્યા અને તે ઈનકારના મૂડમાં ન હતા. દેશમાં રામનવમીનાં સરઘસો દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ બની હતી, જેમાંથી ઘણી ઘટનાઓ બિન-ભાજપશાસિત રાજ્યોમાં બની હતી. વિરોધપક્ષોએ કહ્યું છે કે ભાજપે રાજકીય લાભ માટે હિંસા કરી હતી.

બીજી તરફ ભાજપે આરોપ લગાવ્યો છે કે તેમની રેલીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાજસ્થાનના ભરતપુરના રહેવાસી જુનૈદ અને નાસિરની હત્યા અંગે પણ ચર્ચા કરાઇ હતી. નાસિર (૨૫) અને જુનૈદ (૩૫)નું ૧૫ ફેબ્રુઆરીના રોજ ગાયના રક્ષકો દ્વારા અપહરણ કરાયું હતું. તેમના મૃતદેહ બીજા દિવસે સવારે હરિયાણાના ભિવાનીમાં બળેલી કારમાંથી મળી આવ્યા હતા. મુસ્લિમ નેતાએ કહ્યું કે- ભાજપ નેતાઓ દ્વારા નફરત ફેલાવનારું ભાષણ પણ આપ્યું હતું. આ મુદ્દે તેમણે અમને કહ્યું કે તમામ પ્રકારના લોકો છે, તેથી તમામને એક જ ચશ્માથી ન જોવા જોઈએ. તેમણે કહ્યું- સરકાર તેમાં સામેલ ન હતી.

Share This Article