ગુજરાત પોલીસ દળમાં નવા જોડાઇ રહેલા ૩૯૬ પી.એસ.આઇ., ઇન્ટેલીજન્સ ઓફિસર અને લોકરક્ષક કર્મીઓને સંવેદનશીલતા અને પ્રજાભિમુખતાથી કર્તવ્યરત રહી પોલીસના નોબેલ પ્રોફેશનની ગરિમા વધુ ઊંચે લઇ જવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આહવાન કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસ સમગ્ર રાષ્ટ્રમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવનારી અને સમાજમાં નિર્દોષને રંજાડનારા તત્વોને સજા, દોષિતોને દંડ કરી ફરજ પરસ્ત પોલીસની છબિ ધરાવે છે તે છબિ આ નવનિયુકત યુવા પોલીસ કર્મીઓ ઉજ્જવળ બનાવે.
મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ અકાદમી કરાઇમાં તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોલીસ દળમાં જોડાઇ રહેલા ૪૦ હથિયારી PSI, ૪૦ ઇન્ટેલીજન્સ ઓફિસર તથા આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફિસર અને બિન હથિયારી લોકરક્ષક મળી ૩૯૬ તાલીમાર્થીઓની દિક્ષાંત પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલી હતી. તેમણે નવનિયુકત કર્મીઓને પણ પોતાના જ્ઞાન-કૌશલ્યને સંવર્ધિત કરીને પ્રજાના રક્ષણકર્તા બનવાના સેવા દાયિત્વને નિભાવવા હ્વદયસ્પર્શી અપિલ કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ ૩૪ મહિલા કર્મીઓ સહિતના આ જોમ જુસ્સાથી તરવરતા યુવા કર્મીઓ પૈકી શ્રેષ્ઠતા-દક્ષતા દર્શાવનારા કર્મીઓને મેડલ્સ-પુરસ્કારોથી નવાજ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે જ્યારે ગુનાખોરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ગુનેગારો આચરી રહ્યા છે અને સાયબર ક્રાઇમ, ઇકોનોમીક ઓફેન્સીસ જેવા ગૂનાઓ બનવા માંડયા છે ત્યારે ટેકનોસેવી યુવા પોલીસ કર્મીઓ માટે નવા પડકાર-ચેલેન્જ ઊભા થયા છે તેને આ નવનિયુકત ટેકનીકલ સ્કીલ્ડ મેનપાવર ચોક્કસ પાર પાડશે જ .
વિજયભાઇ રૂપાણીએ કોઇ પણ રાજ્યના વિકાસના પાયામાં સુદ્રઢ કાનૂન વ્યવસ્થા અને શાંતિ-સલામતિ સમાયેલા છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, ગુજરાતમાં સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે પાછલા દોઢ-બે દાયકાથી સામાજીક શાંતિ-સલામતિનો અહેસાસ જન-જનને થઇ રહ્યો છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં રથયાત્રા, મહોરમ, ઇદ જેવા તહેવારો સુલેહ શાંતિ ભંગ થયા વગર સંવાદિતાથી મનાવાય છે. એટલું જ નહિ, માતા-બહેનો-દિકરીઓની પણ સલામતિ-સુરક્ષાને અહિં અહેમિયત આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ પીડિત-શોષિત અને જરૂરતમંદ લોકોને નિર્દોષોને રંજાડનારા તત્વો સામે કડકાઇથી પેશ આવી ‘‘પોલીસ પ્રજા માટે છે’’ તેવો માનવીય સંવેદનાસભર અભિગમ નવપ્રશિક્ષિતોને અપનાવવા કોલ આપ્યો હતો.
‘‘આપણે પોલીસ વર્દીની કડકાઇ અને શિસ્તબધ્ધતાથી એવી ઇમેજ ઊભી કરીએ કે દોષિતને દંડ થાય અને ગૂનો આચરનાર વ્યકિતઓ થર થર કાંપે તેવી નિષ્ઠાથી પોલીસ દળમાં ફરજ બજાવજો’’ એમ મુખ્યમંત્રીશ્રીએ પ્રજાના જાન-માલના રક્ષણ-શાંતિ સલામતિ માટે સર્વસ્વ ખપાવી દેવાની પ્રેરણા નવનિયુકત પોલીસકર્મીઓને આપતા જણાવ્યું હતું.
આ દિક્ષાંત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગૃહના અધિક મુખ્યસચિવ એમ. એસ. ડાગુર, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારજનો જોડાયા હતા.
કરાઇ પોલીસ અકાદમીના નિયામક અને અધિક પોલીસ મહાનિદેશક કે. કે. ઓઝાએ અકાદમીના ર૦૦૧માં પ્રારંભથી ર૦૧૭ના વર્ષ સુધીના તાલીમ કાર્યક્રમો અને પ્રગતિની વિગતો આપી હતી.
સંયુકત નિયામક નિપૂણા તોરવણેએ નવનિયુકત પોલીસકર્મીઓને ભારતના બંધારણ પ્રત્યે અને ફરજ પ્રત્યે નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.