ઉનાળુ વેકેશન ને ધ્યાનમાં લઈ GSRTC દ્વારા રાજ્યમાં દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરાશે : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની માંગણીને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના મુસાફરોના વિશાળ હિતને ધ્યાને રાખી ઉનાળુ વેકેશન-૨૦૨૩ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી મુસાફરોની માંગણી અનુસાર રાજ્યના જુદા-જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે. મંત્રીએ ઉમેર્યું કે, વેકેશન સમય દરમિયાન નિગમ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવી રાજ્યની મુસાફર જનતાને સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો ખાતે પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાશીક, ધુલીયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ મુસાફર જનતા માટે પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેનો મુસાફર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share This Article