અમદાવાદ : છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિગ કમિટીની ગુજરાતમાં બેઠક યોજાઇ રહી છે. શાહીબાગના સરદાર પટેલ સ્મૃતિભવન ખાતે આગામી તા.ર૮મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિગ કમિટીની બહુ મહત્વની બેઠક યોજાશે. જેમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મહત્તમ બેઠકો મળે અને ફરી એકવાર સત્તા હાંસલ કરે તે માટેની ખાસ રણનીતિ ઘડાશે. જેને લઇ કોંગ્રેસની આ વર્કિગ કમીટીની બેઠક પર ગુજરાત સહિત દેશભરના રાજકીય પક્ષોની નજર મંડાયેલી છે.
ખાસ કરીને આ બેઠક અને લોકસભા ચૂંટણી પહેલાનો આ તબક્કો એટલા માટે પણ મહત્વનો છે કે, કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા સોનિયા ગાંધી, તેમના પુત્ર એવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની પુત્રી તેમ જ કોંગ્રેસના મહાસચિવ એવી પ્રિયંકા ગાંધી આ લોકસભા ચૂંટણીના પ્રચાર સહિતના મામલે એકદમ સક્રિય બન્યા છે. હોઇ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષની ભાવિ નીતિ રીતિ ઘડવા માટે મહત્વપૂર્ણ ગણાતી વર્કિગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાવા જઇ રહી છે, સને ૧૯૬૦ પછી ગુજરાતમાં ફરી એકવાર મળી રહેલી આ વર્કિગ કમિટીની બેઠકમાં પક્ષના તમામ ટોચના રાષ્ટ્રીય નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો.મનમોહન સિંધ, મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધિયા, અહેમદ પટેલ સહિતના દિગ્ગજ અને રાષ્ટ્રીય નેતાઓ જોડાશે. સવારે દસ વાગ્યે શાહીબાગ સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે વર્કિગ કમિટીની બેઠક મળવાની છે. શાહીબાગ ખાતે વર્કિગ કમિટીની બેઠક બાદ આ તમામ મહાનુભાવો અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી જંગી જાહેરસભાને એક મંચ પરથી સંબોધશે. ત્રિમંદિર ખાતે બપોરે બે વાગ્યે યોજાનારી આ જાહેરસભામાં કોંગ્રેસ દ્વારા મુખ્યત્વે ખેડૂતો, મહિલાઓ અને યુવાઓના પ્રશ્નોને ઉઠાવાશે.
દરમિયાન પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ એવો દાવો કર્યો છે કે, ત્રિમંદિરની જંગી જાહેરસભામાં રાજ્યના ખૂણે ખૂણેથી આશરે પાંચ લાખ લોકો કોંગેસના સર્વોચ્ચ નેતૃત્વને એકમંચ પરથી સાંભળવા ઊમટી પડશે. કોંગ્રેસ ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો સહિત દેશભરના ખેડૂતો, બેરોજગારો, મહિલાઓ, યુવાનો, આંગણવાડી બહેનો સહિતના લોકોની સમસ્યાઓ અને તકલીફોના નિવારણ માટે કટિબધ્ધ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં જનતા હવે ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનથી મુકિત પામશે.