મગફળી કાંડઃ ભાજપ સરકાર સત્યને છુપાવવા પ્રયાસો કરે છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદઃ તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળી વેપારીઓએ લેવાની ના પાડતા આ કોથળાઓની તપાસ દરમ્યાન તેમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળી છે, તેવી જ રીતે ટેકાના ભાવે ખરીદાયેલ ૩૫૦૦ કરોડની મગફળી કે જે ગોડાઉનોમાં સંગ્રહીત છે તે તમામ મગફળીના કોથળાઓમાં માટી-ધૂળ-ઢેફા-રેતી ભરેલા છે, જેથી તે તમામ કોથળાઓ સરકારી તંત્ર, વિપક્ષ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓ અને મીડીયાના મિત્રોની હાજરીમાં ઊંધા ઠાલવીને મગફળીની ગુણવત્તા ચકાસવા અને ઉચ્ચ ન્યાયપાલિકાના નામદાર ન્યાયાધીશોની અધ્યક્ષતામાં સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા ગઈકાલ તા. ૨-૮-૨૦૧૮ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરેલ છે અને જો ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા આ મગફળી કાંડની તપાસની માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ જગ્યાએ ધરણાં-ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી વિરોધપક્ષના નેતાએ ઉચ્ચારી હતી.

વિરોધપક્ષના નેતાના પત્ર બાદ પણ રાજય સરકાર તરફથી તપાસની માગણીનો સ્વીકાર નહીં થવાથી આજરોજ  ૩-૮-૨૦૧૮, શુક્રવારના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા મુકામે વિરોધપક્ષના નેતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો, પ્રજાજનો સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તેમજ ૪-૮-૨૦૧૮, શનિવારના રોજ રામરાજ્ય ગોડાઉન, ઉમરાળા રોડ, મુ.તા. ગોંડલ, જિ. રાજકોટ ખાતે મગફળી કાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગણી સાથે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ-ધરણાં કરશે. વિરોધપક્ષના નેતાએ સરકારના આ વલણને ભ્રષ્ટાચાર છાવરવાનું પગલું ગણાવી આંદોલન કરવા માટે મંજૂરી ન આપવાના તંત્રના વલણ સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

વિરોધપક્ષના નેતાએ જણાવ્યું છે કે, આંદોલનથી આઝાદ થયેલ ગરવા ગુજરાતમાં મગફળી કાંડની ન્યાયિક તપાસ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી છે.

વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કર્મચારી અને ગોડાઉનવિહોણી એવી ગુજકોટ સંસ્થાને ૫.૩૦ લાખ ટન મગફળી ખરીદવાનું કામ સોંપવામાં આવેલ. બનાસ-સાબર ડેરી સહિત ગુજપ્રો સંસ્થા દ્વારા ૮૭ હજાર ટન મગફળી ખરીદીનું કામ થયેલ. માલિકના બદલે વચેટીયાઓ પાસેથી સરકાર દ્વારા ગોડાઉન ભાડે રખાયા હતા. સરકારી મગફળીને મિલોમાં પીલીને સરકારના મળતિયાઓ માલામાલ થયા ત્યારબાદ નબળી ગુણવત્તાની મગફળી અને માટીના ઢેફાથી ભરાયેલ ગોડાઉનોમાં આગ લગાડીને મગફળી ખરીદીમાં ગેરરીતિના પુરાવાઓનો નાશ કરવામાં આવેલ. આ ગોડાઉનોમાં વીજળીના કનેકશન ન હોવા છતાં ગાંધીધામ, ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગર (હાપા) અને રાજકોટ (શાપર)ના ગોડાઉનોમાં આગ લાગવાની રીત એકસરખી હતી, જે બાબત શંકા ઉપજાવે છે. અગાઉ પણ ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બન્યા બાદ પણ સરકારે આ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા રાખવાની સાવચેતી લીધી નહોતી, જે પણ શંકાસ્પદ છે.

Share This Article