અમદાવાદ : ગયા રવિવારે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયાની સાથે જ સમગ્ર દેશમાં આચારસંહિતા અમલી બની ગઇ છે. આ સંજોગોમાં આજે યોજાયેલી કોંગ્રેસની વ‹કગ કમિટી તેમજ અડાલજની જનસંકલ્પ રેલીમાં જોડાવા આવેલા કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓની ગાડીનું ચૂંટણી પંચ દ્વારા મોનિટરિંગ કરાયું હતું. ચૂંટણી તંત્રના અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમોમાં કયાંક ચૂંટણી આચારસંહિતાની માર્ગદર્શિકાઓનો ભંગ ના થાય તેની પર બાજ નજર રાખવામાં આવી હતી. આજે સવારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ડો.મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી વગેરેનું અમદાવાદ ખાતે આગમન થયા બાદ આ મહાનુભાવો ખાસ બસમાં ગાંધી આશ્રમ જવા રવાના થયા હતા.
ચૂંટણી પંચ દ્વારા ગાંધી આશ્રમ ખાતેના કાર્યક્રમનું મોનિટરિંગ કરાયું હતું. જેમાં ચૂંટણી તંત્રની ચાર ટીમ દ્વારા વીડિયોગ્રાફી કરાઇ હતી. જેમાં કોંગ્રેસના નેતાઓની ગાડી, ગાડી પાછળનાં પોસ્ટર અને ગાડી નંબરની નોંધણી વગેરેનો સમાવેશ થાય છે. દરમિયાન આજે યોજાયેલી જન સંકલ્પ રેલી માટે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા શહેરભરમાં ઠેર ઠેર હો‹ડગ્સ તેમજ બેનર અને ધજા લગાવાઈ હતી.
અડાલજના ત્રિમંદિર તરફ જતા રસ્તાની બંને તરફ સેંકડોની સંખ્યામાં કોંગ્રેસનાં બેનર અને ધજા લહેરાતાં હતાં. જોકે ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાનું કડક પાલન કરાઈ રહ્યું હોઈ ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ તમામ ર્હોડિંગ્સ, બેનર, કમાન અને ધજા વગેરેને ઉતારાવી દેવાયા હતા. જેના કારણે સમગ્ર જન સંકલ્પ રેલીની રોનક ફિક્કી પડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કોંગ્રેસના ર્હોડિંગ્સ, બેનર વગેરેને ઉતારી લેવાની કામગીરીને આચારસંહિતાના પગલે લેવાયેલી રાબેતા મુજબની કામગીરી તરીકે ગણાવી હતી.