અમદાવાદ : આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં જસદણ પેટાચૂંટણીને લઈને મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ૩૨ ધારાસભ્યો અને ૩ પૂર્વ સંસદ સભ્યોને આ ચૂંટણીમાં જીત મેળવવા માટે અગત્યની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પ્રસંગે મિડિયા સાથે કરેલી વાતચીતમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ હાર ભાળી ગયા છે. જેને લઈને સતા અને રૂપિયાની લાલચ આપી કોંગ્રેસના કાર્યકરોને તોડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ પક્ષ અને પ્રજા સાથે વિશ્વાસઘાત કરનારને કરારો જવાબ આપવા માટે ભાજપને હરાવવાનું જનતા નક્કી કરી ચુકી છે. બીજીબાજુ, જસદણ બેઠકને લઇ તા.૨૮મી નવેમ્બરની આસપાસ કોંગ્રેસ તરફથી તેના ઉમદેવારની સત્તાવાર જાહેરાત થાય તેવી શકયતા પ્રવર્તી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ભાજપમાં જોડાનાર પૈકી મોટાભાગના કુંવરજી બાવળીયા સાથે અગાઉથી જ સંકળાયેલા હતા અને તેમના વિરૂધ્ધ પક્ષાતાર ધારા હેઠળ કાર્યવાહી પણ ચાલી રહી છે. આ સાથે જ ઉમેદવારની જાહેરાત અંગે તેમણે કહ્યું હતું કે, હાલ ૮ ઉમેદવારોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આગામી તા.૨૬ તારીખ પછી પ્રદેશ કક્ષાએથી ઉમેદવારના નામ અંગે જાહેરાત કરવામાં આવશે. આ ચૂંટણીના પ્રચાર માટે પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાઓ પણ જસદણ આવશે. આ તકે રાજકોટ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય દિલીપ રામાણી, જસદણ તાલુકા કારોબારી સભ્ય રોહિત મારકણા તેમજ જસદણ ભાજપ મિડિયા સેલના મેહુલભાઈ સંઘવી ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે જસદણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જેને ઉમેદવાર જાહેર કરશે તેને જીતાડવા માટે દાવેદારી નોંધાવનારા તમામ ૮ સભ્યો દ્વારા બનતા પ્રયાસો કરવામાં આવશે. તેમજ બાવળિયાનું નિવેદન રાજકીય હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બાવાળીયાએ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ બાકીના ઘણા લોકો ભાજપમાં જોડાશે તેવું નિવેદન આપ્યું હતું. દરમ્યાન કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ રાજ બબ્બરે આપેલા નિવેદન અંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક ક્ષેત્રે ઘોર નિષ્ફળતાના કારણે ડોલરના ભાવ સતત વધી રહ્યા છે તેની સામે રૂપિયાનું અવમુલ્યન થઇ રહ્યું છે. આ માટે મનમોહનસિંહ જેવા આર્થશાસ્ત્રીની સલાહ લેવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું હતું. પાઠ્ય પુસ્તકોની અછત ન હોવાના શિક્ષણમંત્રીના નિવેદન અંગે તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી હકીકત જાણ્યા વગર એસી ચેમ્બરમાં બેસી ખોટા નિવેદન આપે છે. શિક્ષણ સત્ર શરૂ થાય ત્યારે પાઠ્ય પુસ્તક સ્કૂલ બેગમાં જવાના બદલે પસ્તીમાં જતા રહે છે. પાઠ્ય પુસ્તક મંડળમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. સરકારના બિન આયોજનના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઇ રહ્યા છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રતિનિધિઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી માહિતીગાર કરવામાં આવ્યા હતા.