અમદાવાદ : શહેરમાં સામાન્ય બાબતે ચંડોળા તળાવ, ઘીકાંટા અને કોતરપુર સર્કલ પાસે જૂથ અથડામણ અને હિંસાનો ખેલ ખેલાતા આ વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના જુદા જુદા આ ત્રણ વિસ્તારોમાં થયેલી જૂથ અથડામણના બનાવોમાં પંદરથી વધુ લોકો ઘાયલ થયા હતા. શહેર પોલીસે ત્રણેય બનાવો અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ચંડોળા તળાવમાં એક છોકરાને લાફો મારવા બાબતે મામલો બીચક્યો હતો, જેમાં પાંચ કરતાં વધુ લોકો ઘવાયા હતા. જ્યારે શહેરના કોટ વિસ્તાર એવા ઘીકાંટા ખાતે ઇંડાની લારી પર ઉધાર ખાવાના મામલે કોમી જૂથ અથડામણ થઇ હતી, જેમાં પણ પાંચ કરતાં વધુ લોકોને ઇજા પહોંચી હતી તો કોતરપુર સર્કલ પર ફ્રૂટની લારી મૂકવા બાબતે એક જ કોમનાં બે જૂથ સામાસામે આવી જતાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. પોલીસે ત્રણેય ગુનામાં ૬૦ કરતાં વધુ લોકો વિરુદ્ધમાં રાયોટિંગ, હત્યાની કોશિશ તેમજ શાંતિનો માહોલ ડહોળવાની કોશિશની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચંડોળાના બનાવની વિગત મુજબ, ઇસનપુર વિસ્તારમાં આવેલ રહીમની ચાલીમાં રહેતા બરકત અલી બુલનશાહ ગઇકાલે બપોરે બરકત અલી તેના મિત્ર રફીક પઠાણ સાથે ચંડોળા તળાવ ખાતે આવેલી દુબેશાબાવાની દરગાહ પર બાંધકામનું કામ ચાલુ છે કે નહીં તે જોવા માટે ગયા હતા. ચાર વાગ્યાની આસપાસ ચંડોળા તળાવ બંગાળીવાસમાં રહેતો ઇકબાલ બંગાળી તથા અન્ય લોકો બરકત અલીની ધર્મની બહેન અકીલાબાનુના પુત્ર અરબાઝ સાથે બેઠા હતા. દરમિયાનમાં બરકત અલી અરબાઝ પાસે ગયો હતો અને ઇકબાલ બંગાળી પાસે બેસવાનું નહીં તેમ કહીને લાફો મારી દીધો હતો. ઇકબાલ બંગાળીએ અરબાઝનો પક્ષ લીધો હતો અને મારા મિત્રને કેમ માર્યું તેમ કહીને બરકત અલી સાથે બબાલ શરૂ કરી હતી. જોતજોતામાં ઇકબાલ બંગાળીના મિત્રો સઇદ બંગાળી, જૂઇ બંગાળી, તોહીદ બંગાળી, સબુસ બંગાળી છરા, પાઇપ અને હથોડા લઇને આવ્યા હતા અને બરકત અલી પર તૂટી પડ્યા હતા. ઇકબાલ અને તેના મિત્રોએ આડેધડ બરતક અલીને છરીના ઘા તેમજ હથોડા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. દરમિયાનમાં બરતક અલીનો મિત્ર રફીક પઠાણ અને બીજા બે મિત્રો પણ દોડી આવ્યા હતા. બન્ને પક્ષે સામસામે હુમલો થયો હતો, જેમાં પાંચ કરતાં વધુ લોકો ઘવાયા હતા. બરકત અલી સહિત તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇસનપુર પોલીસે ક્રોસ ફરિયાદ લઇને આઠ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. તો, બીજા બનાવમાં રવિવારે મોડી રાતે ઘીકાંટા નજીક આવેલ મધુરમ સિનેમા પાસે ઇંડાની લારી પર જમવાની બાબતે કેટલાક અસામાજિક તવોએ તોડફોડ કરતાં મામલો બીચક્યો હતો. હિન્દુ અને મુસ્લિમના ટોળા વચ્ચે થયેલી આ બબાલમાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘીકાંટા વિસ્તારમાં આવેલા કોઠી નિવાસમાં રહેતા રવિ મકવાણાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ઇંડાની લારી ધરાવતા અયુબભાઇ સહિત ૩૦ થી ૪૦ લોકો વિરુદ્ધમાં શાહપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન સરદારનગર-કોતરપુર ગામમાં રહેતા રાજેશભાઇ પટણીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રકાશભાઇ, બબલુ અને હીરાભાઇ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે.
રવિવારની રાતે ફ્રૂટનો ટેમ્પો રાખવો નહીં તેમ કહીને ત્રણેય જણા કોતરપુર ખોડિયાર માતાના મંદિર પાસે આવ્યા હતા અને ધારિયા વડે હુમલો કર્યો હતો, જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. ત્યારે બબલુ પટણીએ પણ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દશરથ પટણી સહિત ૬ લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જેમાં ફ્રૂટની લારી નહીં ઊભી રાખવા બાબતે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એરપોર્ટ પોલીસે સામસામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.