અમેરિકાના ન્યૂયોર્કમાં હાલમાં એક નવી ઝૂંબેશ છેડાઈ ગઈ છે જેના ભાગરૂપે કોન્ડોમને પૂરાવા તરીકે નહીં માનવાની માંગણી કરવામાં આવી રહી છે. આ માગથી કેટલાક નિષ્ણાંતો નારાજ છે. તેમનું કહેવું છે કે આનાથી વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ અને દલાલોને મોટી રાહત થશે અને ગુનાઓનું પ્રમાણ વધી જશે પરંતુ કાયદાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આનાથી એચઆઈવી જેવી બિમારીઓ રોકવામાં મદદ મળશે. ન્યૂયોર્ક શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલાં આરોગ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૦૭થી હજુ સુધી એક અંદાજ મુજબ ૨૫ કરોડથી વધુ કોન્ડમનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે.
ન્યૂયોર્ક શહેરમાં એક લાખથી વધારે એચઆઈવી એઇડ્સ સાથે ગ્રસ્ત લોકો છે. કોન્ડમને પુરાવા તરીકે ન માનવાની માંગ પાછળ પણ કેટલીક દલીલો કરવામાં આવી રહી છે. ન્યૂયોર્કમાં વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ અને એજન્ટો પાસેથી કોન્ડમ કબજે કરવાથી પોલીસને રોકવા માટે એક કાયદો બનાવાની વાત થઈ રહી છે. વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની તરફેણ કરનાર એક ગ્રુપ સેક્સ વર્કર પ્રોજેક્ટ દ્વારા આ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે.
સેક્સ વર્કર પ્રોજેક્ટ મુજબ બે સર્વેથી જાણવા મળ્યું છે કે વેશ્યા વૃત્તિના મામલા બનાવવા માટે પોલીસ આ લોકો પાસેથી કોન્ડમ કબજે કરી લે છે જેનો ઉપયોગ આ લોકો એચઆઈવી એઇડ્સ જેવી બિમારીઓથી બચવા માટે કરે છે. આ ગ્રૂપનું કહેવું છે કે પોલીસની કાર્યવાહીના લીધે વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી યુવિતીઓ અને એજન્ટો હવે તેમની પાસે કોન્ડમ રાખતા નથી જેથી બિનસુરક્ષિત સેક્સ સંબંધો બાંધવાની ફરજ પડે છે.