અમદાવાદઃ શહેરમાં એક અંદાજ પ્રમાણે હાલમાં ૪પ લાખ વાહનો છે. જ્યારે દરરોજ ૭૦૦ નવાં વાહનનું આરટીઓમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. વાહનોની સંખ્યા કૂદકે અને ભૂસકે વધતી જતી હોઇ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ બની રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૫ નવા પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે. આગામી આઠ-દસ દિવસમાં તમામ પાર્કમાં શહેરીજનો માટે પાર્કિગ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી દેવાશે. એટલું જ નહી, તમામ પે એન્ડ પાર્કમાં એકસરખો પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવશે.
તાજેતરમાં હાઇકોર્ટના આદેશના પગલે ટ્રાફિક નિયમન હેતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓ એક પછી એક પગલાને અમલમાં મૂકી રહ્યા છે, જે હેઠળ રપ નવા પે એન્ડ પાર્ક વિકસિત કરાયા છે. આ તમામ પે એન્ડ પાર્કમાં દસેક દિવસમાં કુલ ૧૩,૮૧૭ ટુ વ્હીલર-ફોર વ્હીલર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવાનું અમ્યુકોનું આયોજન છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને વાહનના ર્પાકિંગ માટે વધુને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા શહેરભરમાં તંત્રની માલિકીના પ્લોટ તારવી લેવાયા હતા. બે મહિનાથી રપ નવા પ્લોટ પૈકીના પ્રહલાદનગર ગાર્ડન સામેના પ્લોટ સહિતના કેટલાક પ્લોટમાં કાં તો ફ્રી ર્પાકિંગ અથવા તો નામ માત્ર ચાર્જ વસૂલાતો હતો, પરંતુ હવે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત રીતે પે એન્ડ પાર્કના સંચાલનના ચક્રો ગતિમાન કરાયાં છે.
ગઇકાલે આ તમામ પે એન્ડ પાર્કના ટેન્ડર ખૂલી ગયાં હોઇ એકાદ મહિનામાં ઊંચામાં ઊંચી લાઇસન્સ ફી ચૂકવનારા કોન્ટ્રાક્ટરને જે તે પે એન્ડ પાર્ક સોંપાઇ જશે. આનાથી મ્યુનિસિપલ તિજોરીને અંદાજે રૂપિયા એક કરોડની લાઇસન્સ ફીની આવક થશે. તંત્ર દ્વારા બે વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ કરાશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રપ પે એન્ડ પાર્ક કાંકરિયા, નવરંગપુરા અને રિલીફરોડના મલ્ટિસ્ટોરિડ બિલ્ડિંગના પાર્કિગથી કુલ ૧૧,૭૯૭ ટુ વ્હીલર અને ર૦ર૦ ફોર વ્હીલર પાર્ક કરવાની સુવિધા નાગરિકોને મળશે.
આ તમામ પે એન્ડ પાર્કમાં લઘુતમ એક કલાકથી ચોવીસ કલાક સુધીના સમયગાળા માટેના વિવિધ વાહનના પાર્કિગ ચાર્જ નક્કી કરાયા છે, જે મુજબ સાઇકલ માટે બે કલાકના રૂ.એક-ચોવીસ કલાકના રૂ.સાત, સ્કૂટર-મોટર સાઇકલના લઘુતમ અને બે કલાક સુધીના રૂપિયા પાંચ અને ચોવીસ કલાકના રૂ.તેર, કારના લઘુતમ અને બે કલાક સુધીના રૂ.પંદર અને ચોવીસ કલાક સુધીના રૂ.પાંત્રીસ, મિડિયમ ગુડસ વિહિકલના પ્રથમ એક કલાકના રૂ.પચાસ અને ચોવીસ કલાક સુધીના રૂ.એકસો વીસ, જ્યારે હેવી ગુડ્સ વિહિકલના પ્રથમ એક કલાકના રૂ.પંચોતેર અને ચોવીસ કલાક સુધીના રૂ.બસો ચૂકવવા પડશે. દરમિયાન આ અંગે એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ એસ. પ્રજાપતિને પૂછતાં તેમણે જણાવ્યું કે, આગામી આઠ-દસ દિવસમાં આ તમામ પે એન્ડ પાર્કમાં નાગરિકોને પોતાનાં વાહન સુવ્યવસ્થિતપણે પાર્ક કરવાની સુવિધા મળી જશે.