ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી, પોલીસની નવી GP-SMASH પહેલ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે ૦૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling) પ્રોજેક્ટે છેલ્લા ૧૦ મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સમજી ઝડપથી સંબંધિત અધિકારી/કચેરી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.

આ પહેલ શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીમાં ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા સંલગ્ન 71, સાયબર ક્રાઇમ સંલગ્ન 233, શરીર સબંધી ગુના-71, પોલીસ ગેરવર્તણૂક-30, પ્રોહીબેશન-83, ટ્રાફિક-377, ચોરી/લૂંટ/ગુમ -109, રેલવે-02 તેમજ અન્ય ફરિયાદો સાથે અંદાજિત ૧૧૬૩ ફરિયાદો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી, જે પૈકીની ૧૧૫૦થી વધુ ફરિયાદોનો એટલે કે મોટાભાગની તમામ ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ લાવવામાં આવેલ છે.

રાજ્યના પોલીસ વડા ડો.કે.એલ.એન રાવના નેતૃત્વમાં અને લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ ૨૪*૭ રિયલ ટાઈમમાં સોશિયલ મીડિયા પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને ટ્રેસ કરે છે. આ ઉપરાંત, તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ એક અલાયદી ટીમ કાર્યરત છે.

GP-SMASH દ્વારા થયેલ નોંધનીય કામગીરી ( વર્ષ-૨૦૨૫)

GP-SMASH ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કટોકટીના સમયમાં નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડીને પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. જે પૈકી નોંધનીય બનાવની વિગતો આ મુજબ છે:

(1) ટ્રેનમાંથી પડેલી મહિલાના બાળકોને સુરક્ષિત બચાવાયા: જાગૃત મહિલા શ્રીમતી તરુણાબેન જૈને X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ટ્રેન નંબર ૧૨૪૭૧ના કોચ S4 માંથી એક મહિલા નીચે પડી ગયાની અને તેમના બે બાળકો ટ્રેનમાં હોવાની જાણ કરી. GP-SMASH ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ કે.ઓ. દેસાઈએ માત્ર ચાર મિનિટમાં રિસ્પોન્સ કરી વેસ્ટર્ન રેલવે વડોદરાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી. પરિણામે, એક ટીમે બાળકોને સુરક્ષિત કબજે કર્યા અને બીજી ટીમે પડી ગયેલી મહિલાને શોધી સારવાર સહિતની વ્યવસ્થા કરી.
(2) કેનેડા સ્થિત યુવાનને એક જ દિવસમાં રૂ. ૬૫,૦૦૦ પરત મળ્યા: કેનેડામાં રહેતા આયુષ નામના યુવાને તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ X (ટ્વિટર) પર વેપારી સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ પોસ્ટ કરી. GP-SMASH સ્ટેટ ટીમના પીએસઆઈ શ્રી રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી. ભારત અને કેનેડા વચ્ચેના ૯ કલાક ૩૦ મિનિટના સમયના તફાવત છતાં, વડોદરા પોલીસે રાત્રિના સમયે (ભારતીય સમય મુજબ) આયુષ અને વેપારીનો સંપર્ક કર્યો, જેના પરિણામે વેપારીએ બીજા જ દિવસે આયુષને રૂ. ૬૫,૦૦૦ પરત કરી દીધા.
(3) નર્મદાના જંગલમાં ભૂલા પડેલા પાંચ યુવાનોનું સફળ રેસ્ક્યુ: સુભાષિની એમ. નામની મહિલાએ X પર જાણકારી આપી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત પાંચ યુવાનો મોબાઈલ નેટવર્ક ન હોવાને કારણે રસ્તો ભૂલી ગયા અને સંપર્ક વિહોણા બન્યા હતા. GP-SMASH ટીમના શિફ્ટ ઇન્ચાર્જ પીએસઆઇ શ્રી એસ. જી. ચૌહાણે તાત્કાલિક નર્મદા પોલીસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા જણાવ્યું. સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની મદદથી આશરે ૪:૩૦ વાગ્યાની આસપાસ તમામ પાંચ યુવાનોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા.

GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસથી માત્ર એક સિંગલ ક્લિક દૂર છે. ગુજરાત પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ @GujaratPolice ઉપર ટેગ કરીને રજૂઆત કરી શકે છે.

Share This Article