અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવ વચ્ચે હવે શહેરમાં પાઈપલાઇનથી રાંધણગેસ મેળવતા શહેરીજનો પર ભાવવધારો તોળાઇ રહ્યો છે. સીએનજી અને એલપીજી ગેસમાં ભાવવધારા બાદ હવે પાઇપલાઇનથી અપાતાં રાંધણગેસના ભાવોમાં આગામી ૧પ દિવસમાં વધારો જાહેર કરી દેવાય તેવી શક્યતા છે, જેને પગલે મહિલાઓ-ગૃહિણીઓ ભારે ચિંતિત બની છે. પાઇપ લાઈન ગેસના હાલમાં ઘરેલુ પીએનજીના ભાવ રૂ રપ.ર૮ છે અને કોમર્શિયલ પીએનજીનો ભાવ બાવન રૂપિયા પ્રતિ યુનિટ છે. આ ભાવ તા. ૧૯ એપ્રિલથી અમલી થયા હતા તેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવવધારાની અસર પણ આવશે.
અમદાવાદ શહેરમાં લાખોની સંખ્યામાં પાઈપ લાઈન ગેસના જોડાણો છે. અદાણી ગેસ લિમિટેડનો નવો ભાવ રૂ.પ૪ પ્રતિ યુનિટ છે. અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ એમ ત્રણેય કંપનીએ સીએનજીના ભાવમાં કિલોદીઠ રૂ.૩નો વધારો થયો છે, જેના કારણે આશરે ર લાખથી વધુ વાહનચાલકો કે જેઓ સીએનજીનો ઉપયોગ કરે છે તેઓ પર ભાવવધારાનો બોજો આવી પડ્યો છે. એપીએમ (એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમ)થી કેન્દ્ર સરકાર દ્વારા દરેક કંપનીઓને અપાતા ગેસના પુરવઠાના ભાવમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવતાં ગેસના ભાવ વધારવાની ફરજ પડી છે. અમદાવાદમાં કુલ ર૭થી વધુ સીએનજી પંપ છે અને પ્રતિદિન ૪.૫૦ લાખ કેજી સીએનજી લે છે. ર૭ પંપ પરથી આશરે ર.રપ લાખ વાહનો સીએનજી લે છે.
હાલ સીએનજીનો પ્રતિકિલો ભાવ ગઈરાત સુધી રૂ.૫૦.૭૫ છે અને તેમાં રૂ.૩.૨૫નો ભાવવધારો કરતાં નવો ભાવ રૂ.૫૪ થયો છે. દરમ્યાન હવે પાઇપલાઇનથી પૂરો પાડવામાં આવતાં રાંધણગેસના ભાવોમાં વધારાની શકયતા પ્રવર્તી રહી છે, જેને લઇ મહિલાઓ-ગૃહિણીઓ અત્યારથી જ ચિંતિત બની છે. ગૃહિણીઓએ રોષ વ્યકત કર્યો હતો કે, એલપીજીમાં, સીએનજી અને પેટ્રોલ-ડિઝલના ભાવો ભડકે બળી રહ્યા છે ત્યારે સરકારે પાઇપલાઇનથી ગેસના ભાવો ના વધે તેની તકેદારી રાખવી જાઇએ કારણ કે, તે ગેસ તો માત્ર ઘરવપરાશના યુઝમાં જ આવે છે અને તેથી તેમાં નાગરિકોને ખરેખર તો રાહત આપવી જાઇએ.