દક્ષિણ ગુજરાતના સરહદી ક્ષેત્ર ડાંગ-આહવામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, આ જળસંચય અભિયાનના જનઆંદોલનથી ગુજરાત પાણીના દૂકાળને દેશવટો આપશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જળસંચયના આ મહાયજ્ઞમાં ઠેર ઠેર લોકભાગીદારી વધી રહી છે તે આ જળઅભિયાનને જનઅભિયાન બનાવે છે.
રાજ્યના ખૂણેખૂણામાંથી પ્રજાજનો, સામાજિક સંસ્થાઓ, સુજ્ઞજનોએ સ્વયંભૂ આર્થિક સહાય કરીને આ પવિત્ર યજ્ઞકાર્યમાં તેમનો ફાળો નોંધાવ્યો છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ૧૧ હજાર લાખ ધનફૂટ પાણીની સંગ્રહ શક્તિ વધારવાનો આ પુરૂષાર્થ છે તેમ પણ ઉમેર્યુ હતું.
પાણી જ પ્રગતિનો-વિકાસનો આધાર છે તેમ જણાવતા વિજયભાઇ રૂપાણીએ પાણીની અગત્યતા વર્ણવી, ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન રાજ્ય સરકારે આદર્યુ છે તેમ ઉમેર્યું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચોમાસુ ગુજરાત ઉપર મન મુકીને વરસવાના વાવડ મળ્યા છે ત્યારે, વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતારી, પ્રભુના આ મહાપ્રસાદનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.
પાણીના એકે એક ટીપાંનો ઉપયોગ ખેતી, પશુપાલન, વન પર્યાવરણ માટે થાય તેવા જળસંચયના કામો આ અભિયાન અંતર્ગત હાથ ધરાયા છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મૃતઃપાય થયેલી નદીઓ, કોતરોને પુનઃજીવિત કરવાના આયામનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જળ અભિયાનને ચૂંટણીલક્ષી ગણાવીને વિરોધ વ્યક્ત કરતા તત્વોને સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું આ અભિયાન છે. સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત જેવા જન અભિયાનને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે તેમ આ અભિયાન પણ હવે સમાજના પ્રત્યેક જનનું પોતીકું અભિયાન બન્યું છે તેમ ઉમેર્યુ હતું.