ચૈત્રી નવરાત્રીના પાવન પર્વમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કર્યા હતા. જગતધાત્રી માં ભૂવનેશ્વરીના પૂજનઅર્ચન કરી સમગ્ર રાજ્યની સુખાકારી માટે મુખ્યમંત્રીશ્રીએ મંગલ કામના કરી હતી. અહીં ભૂવનેશ્વરી ઔષધાશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.
શક્તિ ઉપાસના માટે ચૈત્રી નવરાત્રીનું અનોખું મહાત્મ્ય છે. ભાવિકો વિવિધ પ્રકારે દેવી ઉપાસના કરી પુણ્યનું ભાથુ બાંધતા હોય છે અને આ નવ દિવસ દરમિયાન શક્તિપીઠના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગોંડલની ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કરી જગતજનની સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ એ બાદ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. અહીં રાખવામાં આવેલી આયુર્વેદના પ્રાચીન ગ્રંથો, ઔષધ નિર્માણની વિવિધ વસ્તુઓ તથા કલાકારીની અન્ય વસ્તુઓ તેમણે નિહાળી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધી સ્મૃતિની મુલાકાત લઇ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવવંદના અર્પણ કરી હતી. ગોંડલમાં રાજવી સર ભગવતસિંહના શાસન દરમિયાન ગાંધીજીએ અહીંની મુલાકાત લીધી હતી અને તેમને મહાત્માનું બિરૂદ અહીં આપવામાં આવ્યું હતું.