અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને લોકોની સમસ્યાને લઈને માહિતી મેળવી હતી. સાથે સાથે વિજય રૂપાણી કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પહોંચીને સમસ્યાઓને લઈને ઝીણવટભરી માહિતી મેળવી લીધા બાદ પગલાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ વિજય રૂપાણી સૌથી પહેલા જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ સાથે બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી પાણી પુરવઠા, ઘાસચારા તથા રોજગાર જેવા કામોને લઈને માહિતી મેળવી હતી.
મળેલ માહિતી મુજબ સવારે લખપત તાલુકાના નારાયણ સરોવર રૂપાણી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ગ્રામીણોની સાથે તમામ મુદ્દા પર વાતચીત કરી હતી. ઉપરાંત કોટેશ્વર-લખપત તાલુકાના અધિકારીઓની સાથે પણ બેઠક યોજવા પહોંચ્યા હતા. ધોરડો અને મીઠડી ગામના લોકો અંગે પણ માહિતી મેળવી હતી. ગુજરાતમાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની રહી છે.
તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે રૂપાણી આજે સ્થિતિની માહિતી મેળવવા માટે દુષ્કાળગ્રસ્ત ક્ષેત્રોમાં પહોંચ્યા હતા. આને લઈને ગ્રામીણ વિસ્તારોએ પણ ઉત્સુકતાપૂર્વક તેમની રજુઆત કરી હતી. આગામી દિવસોમાં દુષ્કાળગ્રસ્ત ક્ષેત્રોના સંદર્ભમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો તરફથી મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરાઈ હતી. પાણીના આયોજનને લઈને પણ સરકાર દ્વારા વિવિધ પહેલ કરાઈ રહી છે.