અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ભાવનગરનો આ ચાર માર્ગીય રસ્તાથી તથા પ્લાસ્ટિક પાર્ક અને જીઆઇડીસીમાં વધારો કરીને ભાવનગરના વિકાસ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫૧ એકર જમીન જીઆઇડીસીને ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ૮ હજાર કરોડના રસ્તાઓ સહિત ગુજરાતના રેલ્વે ટ્રાફીકને ધ્યાનમાં લઇ તેને ઓવરબ્રિજથી સાંકળવાનું આયોજન કર્યુ છે. જોન માટે એસટી બસોની રાહત દરે ફાળવણી તથા મહાનગરોમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અભિયાન હાથ ધર્યુ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થતો અન્યાય ભૂતકાળ બની ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આયોજનની ગુજરાત વિશ્વના વિકાસનું સિમ્બોલ બનશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું કે, શ્રાવણ જેવા પવિત્ર માસના પ્રથમ દિવસે આ રોડનો શિલાન્યાસ થયો છે તે સદૈવ યાદગાર બની રહેશે. ગુજરાતમાં દર વર્ષે નાનામાં નાના ગામથી શહેર સુધીનાં માર્ગો ૮ થી ૯ હજાર કરોડના માર્ગોનું નિર્માણ કરવામાં આવે છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ૧૯૯૫ માં ગોકૂળિયા ગામની યોજના દ્વારા ગામોને શેરીઓને જોડતા આરસીસી રોડ બનાવવામાં આવ્યા હતા. તે નાના પ્રમાણમાં હતા પરંતુ આજે ૩૩ કિ.મી. જેટલો મોટો ફોર ટ્રેક રોડ આરસીસીનો બનવાનો છે તે ગુજરાતના વિકાસની ગતિને દર્શાવે છે.
આ રોડ બનવાથી ભાવનગર-અમદાવાદનુ અંતર ૩૦ કિ.મી. જેટલું ઘટી જશે તેથી આ રોડ પસાર થતા હજારો વાહનોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ- ડિઝલ બચી જશે તેમ જણાવી તેમણે બગોદરા થી ભાવનગરનો રસ્તો ચારમાર્ગીય બનાવવાની જાહેરાત કરી હતી. રાજ્યના રેલ્વે ફાટકો પર પણ ઓવરબ્રિજ બનાવવા માટેની પ્રતિબદ્ધતા પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિક્ષણ તથા કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, આઝાદીથી અત્યાર સુધી દેશમાં ૯૮ હજાર કિ.મી.ના રસ્તાનું નિર્માણ થયું હતું. જયારે છેલ્લા આઠ વર્ષમાં જ દેશમાં ૧ લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં રોજના ૮૮ કિ.મી.ના હાઇવે તથા ૧૩૪ કિ.મી.ના ગામડાના રસ્તા રોજ નિર્માણ પામે છે. રોડ, રસ્તા, એરપોર્ટ, પોર્ટ, રેલ્વેના વિકાસ સાથે ગતિ પ્રગતિ વધે છે તેની રૂપરેખા તેમણે આપી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ભાવનગર ખાતે પ્લાસ્ટિક ઉધોગના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી પ્લાસ્ટિક પાર્કની સ્થાપનાની મંજુરી મળી ગઇ છે. આ ઉપરાંત પ્લાસ્ટિક ક્ષેત્રે નવા સંશોધનો કરવા માટે ‘સેન્ટ્રલ પ્લાસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપનાની પણ મંજૂરી મળી ગઇ છે તેથી ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થશે.
ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષોની આપણી ભાવનગરને અમદાવાદને જોડતા રોડની માંગણી હતી તેની આજે શુભ શરૂઆત થઇ ચૂકી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શરૂ કરેલ જળસંચય યોજનાથી સૌરાષ્ટ્ર લીલુછમ સૌરાષ્ટ્ર બનશે તેની વિગતો આપી તેમણે જણાવ્યું કે, ચારમાર્ગીય રોડ આરસીસી બનવાનો છે. રાજ્યમાં બનનાર રસ્તાઓને બધી બાજુએથી રસ્તાઓ મળે અને તેના દ્વારા વિકાસની નવી દિશા ખુલે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને તેમણે બિરદાવી હતી.