રાજકોટ: રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુંબઇ-રાજકોટ દૂરંતો ટ્રેઇનને રાજકોટ રેલ્વે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજકોટને મળેલ સુપરફાસ્ટ એ.સી.દૂરંતો ટ્રેઇનને આવકારવા રેલ્વે સ્ટેશન ખાતે ઉમટી પડેલા ઉત્સાહી નગરજનોને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ માટે આજનો દિવસ આનંદનો દિવસ છે. રેલ્વેને દેશના વિકાસ માટેની જીવાદોરી ગણાવતાં રૂપાણીએ ઉમેર્યું હતું કે, મુંબઇ-અમદાવાદ સુધી દોડતી દૂરંતો ટ્રેઇનને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.
દૂરંતો ટ્રેઇનના આગમનથી સમગ્ર સૌરાષ્ટ્ર માટે વિકાસના નવા દ્વાર ખુલશે, એવો આશાવદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે રજૂ કર્યો હતો. ગુજરાતને વૈશ્વિક કક્ષાની સુવિધા મેળવવાનો આનંદ છે, સૌરાષ્ટ્રની જનતાને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા વિજયભાઇએ અનુરોધ કર્યો હતો. દૂરંતો ટ્રેઇન સૌરાષ્ટ્ર માટે વ્યાપક વિકાસની શકયતાનું સ્થાપક બની રહેશે, એવો વિશ્વાસ પણ રૂપાણીએ આ તકે રજૂ કર્યો હતો.
ગુજરાતના વિકાસ માટે દૂરંતો ટ્રેઇનને રાજકોટ સુધી લંબાવવા બદલ રેલ્વેમંત્રી પિયુષ ગોયલનો આભાર માન્યો હતો. અમદાવાદ અને સુરેન્દ્રનગરના માત્ર બે સ્ટોપ કરી ફક્ત ૧૧ કલાકમાં મુંબઇ પહોંચાડતી આ ટ્રેઇન મેડિકલ ક્ષેત્રે પણ ખૂબ ઉપયોગી પુરવાર થશે, એવો મત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ મુંબઇ દૂરંતો સુપરફાસ્ટ એ.સી.ટ્રેઇનના લોકોમોટિવ પાઇલટ એમ.ડી.ઝાલાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પેંડા ખવડાવી મીઠું મોઢું કરીને શુભેચ્છા પાઠવી હતી. આ ટ્રેઇનના યાત્રિકોને પણ વિજયભાઇએ શુભકામના પાઠવી હતી.