મુખ્યમંત્રી કાર્યાલયના અદના કર્મયોગીઓ – અધિકારીઓના ધો-૧૦ અને ૧રની જાહેર પરિક્ષાઓ તથા ડીગ્રી અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી દક્ષતા દર્શાવનારા ૩૦ બાળકોને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વહસ્તે સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ આ બાળકો સાથે સહજ સંવાદ કરતાં તેમનો પરિચય મેળવ્યો હતો અને પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, આ સદી જ્ઞાનની સદી છે ત્યારે ઉચ્ચ અભ્યાસ અને શિક્ષણ સજ્જતા કેળવીને જ સ્પર્ધાત્મક યુગમાં ટકી શકાશે. સ્પર્ધામાં ટકી રહેવા પ્રત્યેક વિદ્યાર્થીએ પરફોર્મન્સ એસ્ટાબ્લીશ કરવું પડે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
વિજયભાઇ રૂપાણીએ ધો-૧૦ અને ૧ર એ કારકીર્દી ઘડતર માટેના મહત્વપૂર્ણ ચરણ છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને જણાવ્યું કે, માતા-પિતા વાલીઓએ પણ આ સમયમાં પોતાના બાળકોના અભ્યાસ-લેખન-વાંચન પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે.
મુખ્યમંત્રીએ ધો-૧૦માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા ૧૭ બાળકો, ધો-૧રના ૦૪ તથા ડીગ્રી અભ્યાસક્રમો, બી.સી.એ., ઇજનેરી જેવા તજજ્ઞ અભ્યાસક્રમોમાં સિદ્ધિ મેળવનારા ૮ બાળકોને તેમજ રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત ૦૧ ને પ્રમાણપત્ર તથા પ્રેરણાદાયી પુસ્તકોનો સેટ અર્પણ કર્યો હતો.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના તેમના કાર્યકાળ દરમિયાન ર૦૦૭થી પોતાના કાર્યાલય પરિવારના સંતાનોને તેમની સફળતા માટે સન્માનવાની આ પરંપરાની આજે ૧૨મી કડી મુખ્યમંત્રી વિજયભાઇની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ વિદ્યાર્થી સન્માન શૃંખલામાં મુખ્યમંત્રીના વિદ્યાર્થીકાળના સહપાઠી કશ્યપ જોષીપુરા પણ ઉપસ્થિત રહ્યા હતા.