અમદાવાદ : સૌરાષ્ટ્રમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે ચાલી રહેલી સૌરાષ્ટ્રના ૨૫થી વધુ માર્કેટ યાર્ડોમાં આજે સતત ત્રીજા દિવસે હડતાળ ચાલુ રહી હતી અને સતત ત્રીજા દિવસે માર્કેટ યાર્ડોની તમામ કામગીરી ઠપ્પ રહી હતી. જેન પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડયા છે. હડતાળના આજે ત્રીજા દિવસે પણ રાજય સરકાર તરફથી કોઇ હકારાત્મક વલણ નહી દાખવાતાં સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના આગેવાનો અને એપીએમસી ટ્રેડર્સ એસોસીએશનના હોદ્દેદારોની બહુ મહત્વની બેઠક મળી હતી. બેઠક બાદ આગેવાનોએ સરકારને ખુલ્લી ચીમકી આપી હતી કે, જા ભાવાન્તર મુદ્દે રાજયના મુખ્યમંત્રી વેપારીઓ સાથે વાત નહી કરે તો, ગુજરાતમાં ખેડૂત આંદોલન છેડાશે.
આ મામલે આગેવાનોએ રાજય સરકારને છ દિવસનું અÂલ્ટમેટમ પણ આપ્યું છે. દરમ્યાન વેપારી કમિશન એજેન્ટ પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી અમે ગુજરાતમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે લડી રહ્યાં છે. જો આ મુદ્દે સરકાર અમારી સાથે મિટિંગ નહીં કરે તો આવનાર સમયમાં ગુજરાતમાં ખેડૂત આંદોલન થશે. દોઢ મહિના પહેલા મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી હતી પણ તેનો હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. તેમજ સરકારને છ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું તેનો પણ કોઈ જવાબ નથી મળ્યો. આજે અમે ત્રણ દિવસથી હડતાળ પર છીએ ત્યારે ડી.કે.સખીયાએ સરકાર સાથે મિટિંગ માટેની ખાતરી આપી છે. પણ જ્યાં સુધી સરકાર અમારી સાથે મિટિંગ નહી કરે અમે માર્કેટયાર્ડ બંધ રાખીશું. જા સરકાર વાત નહી કરે તો, લાભપાંચમ પછી પણ એકપણ માર્કેટ યાર્ડ ચાલુ નહી થવા દઇએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી અમે હડતાળ પર છીએ છતાં સરકાર તરફથી નકારાત્મક નિવેદનો આવી રહ્યાં છે અને સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડો ચાલુ છે તેવા પણ નિવેદનો આવી રહ્યાં છે એટલે સરકારની અમારે પ્રત્યે કોઈ સહાનુભુતિ રહી નથી. તેનો અર્થ એ થાય કે, સરકાર અમારી સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવા નથી માંગતી. સરકારના આ પ્રકારના વલણના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડુતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જો સરકાર અમારી સાથે મંત્રણા નહી કરે તો આવનાર સમયમાં ખેડૂત સંગઠનને ભેગા કરી ખેડૂત આંદોલન કરીશું અને સમગ્ર ગુજરાત પણ બંધ કરાવીશુ, તેમજ ગુજરાતના તમામ માર્કેટયાર્ડને અમારી સાથે આવરી લેશુ. ભાવાન્તર યોજના જે દેશના અન્ય રાજ્યોમાં લાગુ થઈ ગઈ છે તે વહેલી તકે ગુજરાતમાં લાવે. સરકાર અમને ઊંધા કાન પકડાવી રહી છે.
ભાવાન્તર યોજનાથી ખેડૂતોને નુકસાન થશે અને ટેકાના ભાવથી જ ખેડૂતોને ફાયદો થશે તો સરકાર આ બંને વચ્ચેનો તફાવત બતાવે કે ભાવાન્તર યોજનામાં ક્યાં પ્રકારના નુકસાન છે અને ટેકાના ભાવમાં ક્યાં પ્રકારના ફાયદાઓ છે. અત્યાર સુધી ભાવાન્તર યોજનાને લઈ એક પણ ખેડુતે નકારાત્મક ટિપપ્ણી નથી કરી એટલે કે ગુજરાતના તમામ ખેડૂતો આ ભાવાન્તર યોજનના લાગુ કરવા માટે ઈચ્છે છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના આગેવાનોની ચીમકીને પગલે હવે ભાવાન્તરનો મામલો ગરમાયો છે.