મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની અમદાવાદમાં મઝાર-એ-કુત્બી ખાતે આજે સૌજન્ય મુલાકાત લીધી હતી.
દાઉદી વ્હોરા સમાજ અને ગુજરાત રાજ્ય વચ્ચેના સદીઓ જૂના સંબંધોને પ્રતિબિંબિત કરતી આ મુલાકાત દરમિયાન સૈયદના સાહેબે જનકલ્યાણ, સામાજિક સમરસતા અને જવાબદાર નાગરિકત્વના મહત્ત્વ વિશે ચર્ચા કરીને અમદાવાદના સતત થઈ રહેલા વિકાસ તેમજ શહેરની વ્યવસ્થા અને નાગરિક સુખાકારી બાબતે પ્રશંસા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ સામાજિક કલ્યાણ, શિક્ષણ અને નાગરિક જીવનમાં દાઉદી વ્હોરા સમાજના યોગદાનની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દાઉદી વ્હોરા સમાજ ગુજરાતના સાંસ્કૃતિક માળખાને વધુ સમૃદ્ધ બનાવે છે.
મુખ્યમંત્રીએ આ અવસરે 32મા દાઈ સૈયદના કુતબખાન કુતબુદ્દીન સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની દરગાહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શહેરમાં આ સમાજના ઇતિહાસ અને વારસાને બિરદાવ્યો હતો.
