મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.
એલ. એન્ડ ટી. ઇન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક માંગને અનુરૂપ વિવિધ ૧૪ જેટલા ટ્રેડ્સમાં તકનીકી કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનીંગ આપશે. રાજ્ય સરકારે ફાળવેલી ૩૭,૬૨૮ ચો.મીટર જમીન પર ચાર હજાર ચો.મીટરના ઓપન પ્રેક્ટિકલ યાર્ડ સાથે આ ઈસ્ટીટ્યુટનું કામ ચાલી રહ્યું છે.
વાર્ષિક ૩,૦૪૦ તાલીમાર્થીઓને લાંબા અને ટૂંકા ગાળાના સિવિલ ટ્રેડ્સના અભ્યાસ ક્રમોમાં આ ઇન્સ્ટીટ્યૂટમાં તાલીમ વ્યવસ્થા છે. એલ. એન્ડ ટી. ના આ કન્સટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટમાં ડિજીટલ બોર્ડ અને ઇ-લર્નિંગ સહિતની એડવાન્સ્ડ ટ્રેનિંગ ડિલીવરી સિસ્ટમ્સ ઉપલબ્ધ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ એલ. એન્ડ ટી. ના આ ઇન્ટીટ્યૂટની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ સાઈટ પર જઈને કર્યું તે અવસરે શ્રમ રોજગાર અગ્ર સચિવશ્રી ડૉ. વિનોદ રાવ, ધારાસભ્ય કે.કે. પટેલ, જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિ તથા એલ. એન્ડ ટી. કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઇન્સટીટ્યૂટના નેશનલ હેડ જે.રઘુરામન, એરિયા મેનેજર નેહલ શાહ અને પ્રોજેક્ટ્સના ક્લસ્ટર હેડ ભૂપેશ દત્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.