અમદાવાદઃ વીમાકંપનીઓ અને વીમાકંપની નિયુક્ત ટીપીએ વિવિધ ઉપજાવી કાઢેલા કારણોસર ઈન્સ્યોર્ડ દર્દીઓના દાવા નકારે છે અથવા અધુરી, અપુરતી રકમ ચુકવતી હોય છે તેવો અજીબોગરીબ કિસ્સો ગ્રાહક કોર્ટમાં આવ્યો હતો.
ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીના કર્મચારીએ સ્પેલીંગ મીસ્ટેક કરી વીમેદાર મહિલાને પુરૂષ તરીકે પોલિસીના દસ્તાવેજમાં દર્શાવી દેતાં તે ભૂલને આધાર બનાવી વીમાકંપનીએ મહિલાએ આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, જેના ખર્ચના દાવાની રકમ રૂ.૫૧,૬૦૦ ચૂકવી આપવા વીમાકંપનીએ ઇન્કાર કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય) પ્રમુખ મુકેશ પરીખે સમગ્ર કેસ અંગે ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ એમ.જે. મહેતા અને સભ્ય શ્રીમતી પ્રીતીબેન પંડ્યાએ દાવાની રકમ રૂ. ૫૧,૬૦૦ ફરીયાદની તારીખથી રકમ વસુલ આવે ત્યા સુધી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના રૂ. ૫,૦૦૦ અલગથી ફરિયાદી મહિલાને ચુકવી આપવા ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું હતું.
વીમાકંપનીઓ દ્વારા આચરાતી નીતનવી યુકિતઓ અને પ્રયુકિતઓથી હાર માનવાને બદલે ગ્રાહક કોર્ટોમાં ફરિયાદ દાખલ કરી ન્યાય મેળવવાનો અનુરોધ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે રાજયના ગ્રાહકોને કર્યો હતો કારણ કે, ગ્રાહકોની જાગૃતતાથી જ સીસ્ટમમાં સુધારો થઇ શકશે.
વીમાકંપનીની ગંભીર ભૂલના કિસ્સા અંગે સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારના બિંદુબેન આર. પટેલે પોતાની તેમજ પોતાના મધર રંજનબેન આર. પટેલની મેડીક્લેમ પોલીસી ઉતરાવેલી હતી. ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લી., ગાંધીનગર શાખાની સમઈન્સ્યોર્ડ રૂ. ૩,૦૦,૦૦૦ ની આરોગ્ય વીમા પોલીસી લીધેલી હતી. વર્ષ ૨૦૧૧ થી નિયમિત પ્રીમીયમ ભરીને પોલીસી રીન્યુ કરવામાં આવતી હતી. વર્ષ ૨૦૧૨-૧૩ માં વીમાકંપનીએ પોલીસી રીન્યુ કરાવેલ હોવા છતા ફર્સ્ટ ન્યુ ફ્રેશ પોલીસી આપી હતી, પરંતુ જાતિના કોલમમાં ફીમેલ લખવાને બદલે એમ(મેલ) દર્શાવીને રંજનના સ્પેલીંગમાં ભૂલ કરી એન શબ્દ નહી લખીને રાજન કરી દેવાયું હતું. આમ કરી, આગલા વર્ષની પોલિસીમાં વીમા કંપનીના કર્મચારીએ સ્પેલીંગમાં એન નહી લખી નામમાં સ્પેલીંગ મીસ્ટેક કરી મહિલામાંથી પુરૂષ હોવાનું પોલિસીના દસ્તાવેજમાં દર્શાવી દીધુ હતું.
એટલે કે, રંજનના બદલે રાજન લખી નાંખ્યું હતું. દરમ્યાન ફરીયાદી મહીલા દર્દી રંજનબેન આર. પટેલ (અગેરા)ના બંને આંખના વિઝનમાં ઝાંખપ હોવાથી સૌપ્રથમ ડોક્ટરની સલાહ અનુસાર જમણી આંખના મોતિયાનુ અને બાદમાં ડાબી આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. બંને આંખના મોતિયાના ઓપરેશનમાં રૂ.૫૧,૬૦૦ નો ખર્ચો ચુકવેલ અને વીમાકંપની સમક્ષ ઓપરેશનના સારવારના ખર્ચની રકમ પરત-રીએમ્બર્સમેન્ટ મેળવવા ક્લેમ ફોર્મ ભરી દાવો કર્યો હતો. જો કે, ભારે આશ્ચર્ય વચ્ચે વીમાકંપનીના સ્ટાફે સામાન્ય પ્રકારની ટાઈપીંગની ભૂલના કારણે સ્પેલીંગ મીસ્ટેક હોવાથી દાવાની રકમ ચુકવી ન હતી. જેને પગલે ફરિયાદી મહિલાએ ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં ફોરમે ખૂબ જ મહત્વનો ઉપરમુજબ ચુકાદો જારી કરી મહિલાને ન્યાય અપાવ્યો હતો.