અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)ના નિષ્ણાંત અને અનુભવી ડોક્ટર્સની ટીમે સફળતાપૂર્વક લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી હાથ ધરી તેને નવજીવન બક્ષતાં અનોખી સિÂધ્ધ હાંસલ કરી છે. સિવિલ હોÂસ્પટલના આઇકેડીઆરસીના નિષ્ણાત ડોકટર્સની આ સફળતાને લઇ તબીબી આલમમાં પણ ભારે ચર્ચા ચાલી છે. આ જટિલ એવા કેસમાં ૫૪ વર્ષીય રાજેશભાઇ ઠક્કર છેલ્લા ૧૦ વર્ષથી લિવર સિરોસિસ અને કેન્સરની ગાંઠની ગંભીર સમસ્યાથી પીડિતા હતા પરંતુ આ જટિલ સર્જરીને સફળતાથી પાર પાડી સિવિલ હોÂસ્પટલના તબીબોએ વર્ષોથી પીડાતા આ દર્દીને નવજીવન બક્ષ્યુ હતું.
સિવિલ હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ યુનિટના વડા અને પ્રોફેસર પ્રાંજલ મોદી, ડો. વૈભવ સુતરિયા અને ડો. વિકાસ પટેલ ટીમે તાજેતરમાં લિવર સિરોસિસની ગંભીર બિમારીથી પીડાતા દર્દી ઉપર અત્યંત જટિલ સર્જરી હાથ ધરી હતી. સર્જરીના થોડાં જ દિવસોમાં ડોક્ટર્સની યોગ્ય કાળજી અને દેખરેખ સાથે દર્દીનું લિવર સામાન્ય વ્યક્તિની માફક કામ કરતું થઇ ગયું હતું તેમજ દર્દી સામાન્ય વ્યક્તિઓની માફક દૈનિક કામગીરી કરવા માટે સક્ષમ બન્યાં હતાં. સર્જરી બાદ ફોલો-અપમાં પણ તેમના લિવરની કામગીરીમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી છે અને હવે તેઓ વિવિધ પ્રવૃત્તિઓ કોઇપણ વ્યક્તિની મદદ વગર સરળતાથી કરી શકે છે તથા તેમની પસંદગીનો આહાર પણ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે લિવર સિરોસિસથી પીડિત વ્યક્તિના જીવનની ગુણવત્તા નબળી હોય છે અને મોટાભાગના કિસ્સામાં લિવર ટ્રાન્સપ્લાન્ટ અંતિમ ઉપાય રહે છે.
જ્યાં સુધી ડોનર તરફથી લિવર ન મળે ત્યાં સુધી દર્દીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તથા ભોજનમાં પણ સંયમ રાખવો પડે છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં અદ્યતન ઉપકરણો અને ડોક્ટરની અનુભવી ટીમ પાસે પ્રમાણમાં ઓછા ખર્ચથી લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવી રાજેશભાઇ માટે શક્ય બન્યું હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ તરફથી નવું જીવન મેળવનાર રાજેશભાઇએ જણાવ્યું હતું કે, લિવર સિરોસિસની ૧૦ વર્ષ લાંબી બિમારીમાંથી મુક્ત કરવા બદલ હું સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો તથા લિવર ડોનેટ કરનાર મંજુબેનનો હું આજીવન આભારી રહીશ. આજે હું અન્ય કોઇ સામાન્ય વ્યકિતની માફક જીવન જીવવા માટે સક્ષમ બન્યો છું, જેનું મુખ્ય કારણે અંગદાન છે. મારા જેવાં ગંભીર બિમારીથી પીડાતા વ્યક્તિઓને બચાવવા માટે વધુને વધુ લોકો અંગદાન માટે પ્રોત્સાહિત થાય તે ઘણું જરૂરી છે. નોંધનીય છે કે રાજેશભાઇ છેલ્લાં ૧૦ વર્ષથી લિવરની ગંભીર બિમારીથી પીડાતા હતાં અને આ સમયગાળામાં તેમણે ડો. સંજય રાજપૂત પાસે સારવાર કરાવી હતી, પરંતુ લિવર સિરોસિસની સાથે-સાથે કેન્સરની ગાંઠ પણ થતાં રાજેશભાઇને તાત્કાલિક ધોરણે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
અહીં તેમને ભરૂચના વાલિયા તાલુકાના ઇટકલા ગામમાં રહેતા મંજુબેન રતિલાલ વસાવાનું લિવર મળ્યું હતું કે જેમને અકસ્માતે ઇજા થતાં સિવિલ હોસ્પિટલ સુરતના ડોક્ટર્સે બ્રેઇન ડેડ જાહેર કર્યાં હતાં. મંજુબેનના પરિવારજનોની સંમતિથી તેમની કિડની અને લિવરનું દાન કરાયું હતું અને આ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજેશભાઇના શરીરમાં સફળતાપૂર્વક કરવામાં આવતાં તેમને નવજીવન બક્ષાયુ હતું.