નાગરિક કાનૂન : વડોદરામાંય હિંસા, પોલીસ પર પથ્થરમારો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અમદાવાદ બાદ વડોદરામાં હિંસા ભડકી હતી. ખાસ કરીને વડોદરા શહેરના હાથીખાના, ફતેપુરા, યાકુતપુરા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના હજારો લોકોના ટોળાએ અમદાવાદની જેમ જ પોલીસને ટાર્ગેટ કરી પોલીસ અને તેમની ગાડીઓ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. જેમાં એચ ડિવીઝનના એસીપી ભરત રાઠોડ, પીઆઇ એન.બી.જાડેજા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તો, તોફાની તત્વોએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સિતના પોલીસની ગાડીઓ અને કાફલા પર તોફાની તત્વોએ બહુ નિર્દયતાથી અને ખરાબ રીતે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વર્ષો બાદ સંસ્કારીનગરી વડોદરાની શાંતિ ફરી એકવાર ડહોળાઇ હતી અને વડોદરાવાસીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે તોફાનગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર શહેરમાં સઘન અને અસરકારક પેટ્રોલીંગ અને ફલેગમાર્ચ શરૂ કરી દીધા હતા. તોફાનોની પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ દ્વારા બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. તો ટીયરગેસના ૩૦થી વધુ શેલ છોડવાની ફરજ પડી હતી. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં વડોદરાના હાથીખાના, પાંજરીગર મહોલ્લો અને પટેલ ફળીયામાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા પથ્થમારો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી પરંતુ તોફાની ટોળાના હજારો માણસોએ પોલીસને ટાર્ગેટ કરી પોલીસ પર પણ જોરદાર પથ્થરમારો કર્યો હતો. વાત એટલી હદે વણસી હતી કે, પોલીસે ટીયરગેસના ૩૦ થી વધુ શેલ છોડવાની ફરજ પડી હતી.

જો કે, પોલીસ પરના જબરદસ્ત પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુસ્લિમ સમુદાયના લોકોએ પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે સાથે કેટલાક વાહનોની તોડફોડ કરી હતી. ટોળાના માણસોએ પોલીસના વાહનોના કાચ પણ તોડયા હતા. ટોળાએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો છે. ટોળાના પથ્થરમારામાં એસીપી ભરત રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

એક તક્કે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સિટી પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.જે. સોસાએ સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. વડોદરા પોલીસ કમિશનર અનપુમસિંહ ગેહલોતે હિંસાની ઘટનાઓની ભારે નિંદા કરી હતી અને તમામને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તો, વડોદરા કલેકટર શાલીની અગ્રવાલે પણ શહેરમાં શાંતિ જાળવવા તમામ નાગરિકોને અપીલ કરી હતી. પોલીસે વડોદરામાં હિંસા ભડકાવનારા ૨૦થી વધુ લોકોની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Share This Article