ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી, ગુજકોસ્ટ તથા ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના સહયોગ દ્વારા પંચમહાલ જીલ્લાની શાળાઓના બાળકોને અમદાવાદ ગુજરાત સાયન્સ સીટી પ્રવાસ કરાવતા બાળકો રોમાંચિત બન્યા હતા. અહીં બાળકોએ આઈમેક્સ થ્રીડી થિયેટર, એમ્ફીથીયેટર, હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ, થ્રિલ રાઇડ, લાઈફ સાયન્સ પાર્ક, એનર્જી પાર્ક, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, એકવાટીક ગેલેરી, રોબોટિક ગેલેરી, નોબેલ ડોમ વગેરે આકર્ષણોથી રોમાંચિત બન્યા હતા. આ શૈક્ષણિક પ્રવાસનો લાભ આશરે ૧૦ કરતા પણ વધુ શાળાના ૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્ષ દરમ્યાન વિજ્ઞાનને લગતી અવનવી પ્રવૃતિઓ કરાવામાં આવતી હોય છે. જેમાં નાટ્ય ઉત્સવ, વિજ્ઞાન પરિષદ, સમર કેમ્પ, એનીમેશન ફિલ્મ શો જેવી પ્રવૃતિઓ દ્વારા જીલ્લાના નાગરિકો તથા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે. લોક વિજ્ઞાન કેન્દ્રનો મુખ્ય હેતુ કોઈ પણ ઘટના અને પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે તાલ મેલ કરી તેની પાછળના રહસ્યને ઉજાગર કરવાનો હોય છે. ચાલુ વર્ષે સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓના વિદ્યાર્થીઓને સાયન્સ સીટીની મુલાકાત નીઃશુલ્ક કરાવામાં આવનાર છે.
સાયન્સ સીટીના શૈક્ષણિક પ્રવાસે જઈ આવેલ વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતા લોક વિજ્ઞાન કેન્દ્રના ડો.સુજાત વલીને જણાવ્યું હતું કે, વિજ્ઞાનએ કોઈ સીમિત વિષય નથી, પણ તે અગાધ બ્રહ્માંડના રહસ્યોથી ભરેલું છે. અમે એકવાટીક ગેલેરીની મુલાકાત દરમિયાન વિવિધ પ્રકારના જળચર જીવો, તેનું અસ્તિત્વ, તેનું આયુષ્ય, તેનો ખોરાક વગેરેની માહિતી મેળવી હતી. તદુપરાંત રોબોટીક્સ ગેલેરીમાં પણ અમે વિવિધ જાતના રોબોટ નિહાળ્યા હતા. જેમાં રોબોટ દ્વારા કઈ રીતે આગામી સમયમાં સર્જરી થઇ શકશે અને મેડીકલ ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકાય છે, તે નિહાળ્યું હતું. ત્યાર બાદ હોટેલમાં, પ્લેગ્રાઉન્ડમાં, ખેતી ક્ષેત્રે, ઘરના કામકાજમાં કઈ રીતે રોબોટ કાર્ય કરી શકે તે અંગે પ્રત્યક્ષ નિદર્શન કરાવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ આ સાયન્સ સીટી પ્રવાસનો દોર ચાલુ રહેનાર છે. વધુ માહિતી માટે આપ લોક વિજ્ઞાન કેન્દ્ર, લારા હોસ્પિટલનો સંપર્ક સાધી શકો છો.