અમદાવાદ: નાનપણથી બાળકોમાં શિક્ષણ અને સમજણને લઇ ઘરમાં કે બહાર દબાણ ઉભુ કરાતું હોય છે અને તે ભણવામાં ઢ નહી રહી જાય તેનો એક અપ્રાકૃતિક માહોલ પણ જાણે-અજાણે માતા-પિતા કે સમાજ તરફથી ઉભો કરાતો હોય છે પરંતુ વાસ્તવમાં બાળપણ એ જીવવાનો અને માણવાનો તબક્કો છે, બાળકોને કોઇપણ જાતના દબાણ કે ભાર વિના મુકતમને રમત-રમતમાં ભણવા દો, તેને સહજ બનવા દો, તેને આ બહુ નાજુક અને મહામૂલા તબક્કામાંથી કુદરતી રીતે પસાર થવા દો..ઢ બાળકો પણ જીવનમાં હીરો બની શકે છે તેમાં કોઇ બેમત નથી. આ શબ્દો છે નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ઢ – ના ડાયરેકટર મનીષ સૈનીના. ગુજરાતી ફિલ્મ ઢ તા.૨૮મી સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહી છે તે પહેલાં જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં તે ડંકો વગાડી ચૂકી છે.
વાયકોમ ૧૮ મોશન પિકચર્સનું ગુજરાતી ફિલ્મ ઢનું આજે અમદાવાદમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું., જેને લઇ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એવી આ ગુજરાતી ફિલ્મ ઢની સ્ટારકાસ્ટ આજે અમદાવાદની મુલાકાતે આવી હતી. કંઇક અલગ જ વિષય અને સુંદર-કર્ણપ્રિય સંગીત સાથે બનાવાયેલી ગુજરાતી ફિલ્મ ઢએ માત્ર ગુજરાત જ નહી દેશ અને દુનિયામાં સૌકોઇનું ધ્યાન ખેંચ્યું છે, તેને લઇ તે માત્ર ગુજરાતી નહી પરંતુ એક ભારતીય ફિલ્મ તરીકે અને સાર્વત્રિક અપીલ કરતી ફિલ્મ તરીકે જાવાઇ રહી છે. ઢ ફિલ્મના આજના ટ્રેલર લોન્ચીંગ પ્રસંગે ફિલ્મના ડાયરેકટર મનીષ સૈની, વાયકોમ ૧૮ મોશન પિકચર્સના નિખિલ સાને, બાળ કલાકારો કરણ પટેલ, કહાન અને કુલદીપ સોઢા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ફિલ્મના ડાયરેકટર મનીષ સૈનીએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઢ ફિલ્મ માત્ર બાળકોના વિષયવસ્તુ પર જ આધારિત નથી પરંતુ બાળકોના માતા-પિતા અને સમગ્ર સમાજને એક નવી શીખ અને રાહ ચીંધતો સંદેશો આપતી ફિલ્મ છે. બાળપણમાં પરંપરાગત શિક્ષણમાં ઘણી સારી વાત છે, જરૂર છે માત્ર દ્રષ્ટિકોણ બદલવાની અને હકારાત્મક તેમજ પ્રોત્સાહક અભિગમ કેળવવાની. બાળકોને શિક્ષણમાં રસ પડે, તેઓ તેમાં પ્રવૃત્ત રહે તે પ્રકારનો હળવો અને ભાર વિનાનો, દબાણમુકત માહોલ ઉભો કરવો પડશે. તેમને રમત-રમતમાં જે કંઇ કરે તે કરવા દેવાની સાથે ભણવાની પ્રથા કે પધ્ધતિ અપનાવવી પડશે. તેમના આંતરિક ગુણો, પ્રતિભા અને વ્યકિતત્વ ખીલવા દેવાની તેમને બાળપણથી જ મુકતતા આપવી પડશે, તો વાસ્તવિક જીવનમાં ઢ બાળકો પણ હીરો બની શકે છે.
જીવનમાં સાચો જીત ભણવામાં સારા માર્કસ મેળવવાથી નહી પરંતુ પ્રગતિ કે સફળ થવાથી કહેવાય. ઢ ની જાદુઇ અને પ્રેરણાદાયી વાર્તા જીવનમાં કંઇક શીખવાની પ્રક્રિયાને રજૂ કરે છે, જે દર્શકોને બહુ જ ગમશે. દરમ્યાન વાયકોમ ૧૮ મોશન પિકચર્સના નિખિલ સાનેએ જણાવ્યું કે, દરેક ગુજરાતીઓ અને ગુજરાતનું રાષ્ટ્રીય અને વિશ્વકક્ષાએ ગૌરવ વધારનાર ગુજરાતી ફિલ્મ ઢ સાર્વત્રિક અપીલ કરનારી હૃદયસ્પર્શી ફિલ્મ છે. ઢ- ફિલ્મે ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ-કિડ્સ ૨૦૧૮, યુકે એશિયન ફિલ્મ ફેÂસ્ટવલ, શાંઘાઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેÂસ્ટવલ ૨૦૧૮ અને ઇન્ટરનેશનલ ચિલ્ડ્રાન ફિલ્મ ફેસ્ટીવલ સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં ગુજરાતી સિનેમાનું પ્રતિનિધિત્વ રજૂ કરી ડંકો વગાડયો છે.
ગુજરાતી ફિલ્મ ઢ – એ ત્રણ બાળકોના શાળા કાળ દરમ્યાનની વાત છે, ભણવામાં ઢ હોવાથી કેવી રીતે કોિ જાદુઇ ચમત્કાર કે કરિશ્માથી પાસ થઇ જવાય તે માટેની આંટીઘૂંટીમાં એક જાદુગર પાસે નિર્દોષતાના ભાવે મદદ માંગે છે અને બસ પછી શરૂ થાય છે રસપ્રદ વાર્તા અને ઘટનાક્રમ…બહુ જ હૃદયસ્પર્શી, રસપ્રદ અને સંવેદનશીલ વિષયવસ્તુને લઇ તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ ઢ બોક્સઓફિસ પર નવા રેકોર્ડ સર કરે તેવી પણ ચર્ચાઓ અત્યારથી જ ચાલી રહી છે.