આણંદ: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામે ૩૦ એપ્રિલ, ૨૦૧૮ના રોજ છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી ઓછી હોવા છતાં લગ્ન યોજવાના છે તેની ચાઇલ્ડલાઇન ૧૦૯૮ દ્વારા આણંદના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને માહિતી મળી.
આ માહિતી મળતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળસુરક્ષા અધિકારી પાર્થ ઠાકર તથા લીગલ કમ પ્રોબેશન ઓફિસર મનિષા જેઠવા દ્વારા તાત્કાલિક રૂબરૂ સ્થળ પર તપાસ કરી આ બંને યુગલોના માતા-પિતા તથા ગામના સરપંચ સાથે પરામર્શ કરી બાળલગ્ન કાયદાની સમજ આપવામાં આવી હતી કે બાળકી ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારે તથા બાળક ૨૧ વર્ષ પૂર્ણ કરે ત્યારબાદ જ લગ્ન થઇ શકતા હોઇ યોજાનાર લગ્ન મોકૂફ રાખવા જણાવતાં આ બાળલગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા જયારે બંનેના પિતાનું લેખિત નિવેદન તથા સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું લેવામાં આવ્યું હતું. આમ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ટીમ દ્વારા સફળતાપૂર્વક બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.
બાળલગ્ન અટકાવવામાં આવ્યા બાદ હાજર વ્યકિતઓને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી વ્હોરાના માર્ગદર્શન હેઠળ બાળલગ્નનો કાયદો અને બાળલગ્નની માઠી અસરો વિષે સમજ આપવામાં આવી હોવાનું આણંદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.