પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ભાજપને નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ પર વેટ ઘટાડવાનો સ્પષ્ટ ઈનકાર કરતા કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવો શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા વેટ અને 4 ટકા સેસ લેવામાં આવે છે. છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 10 ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલ પર લેવાતા ટેક્સમાં રાજ્ય સરકારે 4 ટકાનો ઘટાડો કર્યો હતો. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવાને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ જો આ રીતે જ વધતા રહ્યા તો 80 રૂપિયાને પાર કરી જશે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ તેને લઈને ચિંતિત છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાના રસ્તા શોધી રહી છે. હકીકત તો એ છે કે રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલ પર લેવાતો ટેક્સ ઘટાડવામાં આવે તો ભાવ ઘટી શકે તેમ છે, પણ તેમ કરવા જતાં રાજ્યોની ટેક્સની આવકમાં મોટું ગાબડું પડી શકે તેમ છે.
ગુજરાત જેવું રાજ્ય કે જ્યાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ જ રાજ્યની આવકનો મોટો સ્ત્રોત છે, ત્યાં મુખ્યમંત્રી રૂપાણીએ ટેક્સ ઘટાડવાનો ઈનકાર કરી દીધો છે, ત્યારે જો કેન્દ્ર કોઈ પગલાં નહીં ભરે તો નજીકના સમયમાં લોકોને તેમાં કોઈ રાહત મળવાની શક્યતા દેખાતી નથી. જો કેન્દ્ર પેટ્રોલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરી દે તો પણ ભાવ ઘટી શકે તેમ છે. પણ, તેવું કરવામાં પણ રાજ્યોની ટેક્સની આવકમાં ઘટાડો થાય તેમ છે. ત્યારે કેન્દ્ર સરકાર માટે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી લોકોને રાહત આપવાનો રસ્તો શોધવો એક પડકાર બની ગયો છે.