રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જઇને કરી હતી અને સ્થિતીનો જાયજો મેળવ્યો હતો.
રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠાના જિલ્લાઓ સહિત ૬ થી ૭ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતી સર્જાઇ છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ખૂબ વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. સોમવારની સવારે ગીર ગઢડા તેમજ વલસાડ-નવસારીમાં ભારે વરસાદ થતાં પરિસ્થિતિ વિકટ બની હતી.
મુખ્યમંત્રીએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હોટલાઇનથી જ ગીર-સોમનાથના જિલ્લા કલેકટર સાથે સીધી વાતચીત કરીને બચાવ-રાહત કામોની વિગતો મેળવી હતી. તેમણે ઊના તાલુકાના પ્રાંત અધિકારી સાથે પણ મોબાઇલ ટેલિફોન સંપર્ક દ્વારા ગીર-ગઢડાના કણકીયા, કનેરી, સનવાવ એમ ત્રણ સંપર્ક વિહોણા ગામોની સ્થિતિની પણ માહિતી મેળવી હતી અને આ ગામોનો સંપર્ક ત્વરાએ પ્રસ્થાપિત થઇ જશે તેની જાણકારી લીધી હતી.
મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠક બાદ માધ્યમો સાથેની વાતચીતમાં રાજ્ય સરકાર દ્વારા વરસાદી આફત સામેની સજ્જતાની તલસ્પર્શી વિગતો આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ NDRFની ૧પ ટીમ તૈનાત છે ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જરૂર જણાયે ત્વરાએ ડિપ્લોય કરી શકાય તે માટે NDRFની વધુ પાંચ ટીમો આવી રહી છે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, એરફોર્સ સત્તાવાળાઓ સાથે પણ રાજ્ય સરકાર સંપર્કમાં છે અને જરૂર જણાયે એરફોર્સની પણ મદદ લેવા અંગે સંકલન થઇ રહ્યું છે.
મુખ્યમંત્રીએ NDRF દ્વારા હાથ ધરાયેલી રેસ્કયૂ કામગીરી અંગે કહ્યું કે, ગીર સોમનાથના હરમડીયા ગીર-ગઢડા વચ્ચે મીટરગેજ રેલ્વે લાઇન પર રેલ્વે ટ્રેન વરસાદી પાણીમાં ફસાઇ જતાં NDRFએ રપર મુસાફરોને સહિ-સલામત પાણીમાંથી બહાર કાઢી રેલ્વે સ્ટેશને પહોચાડયા છે.
આ ઉપરાંત જાફરાબાદના સોખડા ગામના રપ વ્યકિતઓનું તેમજ સુરતના ઓલપાડમાં ૮પ અને નવસારીમાં ર૬ર વ્યકિતઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ વ્યકિતઓ માટે આવાસ-ખાનપાનની વ્યવસ્થા પણ જીલ્લા તંત્રએ કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર પૂરતાં પગલાંના પ્રબંધ સાથે વરસાદી સ્થિતી પર ચાંપતી નજર રાખી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર પણ લાઇફ જેકેટ, લાઇફ બોટ સહિતના સાધનો સાથે સુસજ્જ છે, શકય હોય ત્યાં સુધી વરસાદની વહેલી ચેતવણી આપીને સંભવત: અસરગ્રસ્ત વિસ્તારોના લોકોના સ્થળાંતર માટેની પણ તૈયારીઓ તંત્રવાહકોએ કરી છે.
વિજયભાઇ રૂપાણીએ આવનારા પાંચ દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહીને પગલે 24×7 સ્ટેટ કંટ્રોલરૂમ તેમજ જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલરૂમ સતત નિગરાની રાખી રહ્યા છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વરસાદી આફતથી કોઇ જ જાનહાનિ ન થાય એ માટે સમગ્ર વહીવટી તંત્ર સુસજ્જ અને સક્ષમ છે.