મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા ભારતના નિર્માણનો રોડમેપ તૈયાર કરવાનું સક્ષમ મંચ આ ચિંતન શિબિર બનશે.
કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલયની પ્રથમ રાષ્ટ્રીય ચિંતન શિબિરનું મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ માટે આયોજન થયું છે અને દેશના વિવિધ રાજ્યોના ખાણ ખનિજ મંત્રીઓ તથા પદાધિકારીઓ અને સ્ટેક હોલ્ડર્સ તેમાં ભાગ લઈ રહ્યા છે.
મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કેન્દ્રીય મંત્રીઓ સર્વ જી.કિશન રેડ્ડી, સી.આર પાટીલ તથા બિહારના ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રીય ખાણ ખનિજ રાજ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ખાણ ખનિજ દેશના ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર સ્તંભ છે. એ આધાર સ્તંભને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને નવી ગતિ આપવાનું પ્લેટફોર્મ સામૂહિક ચિંતન મંથનથી આ શિબિર પૂરું પાડશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશને આત્મનિર્ભર બનાવવા દરેક સેક્ટરમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે રિફોર્મ્સ લાવ્યા છે. માઇનિંગ સેક્ટર પણ આવા રીફોર્મ્સનું સાક્ષી રહ્યું છે. ક્લિયર પોલિસીઝ, પોલિટિકલ વિલ અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સના પરિણામે આ રિફોર્મ્સ શક્ય બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનએ પ્રકૃતિ સાથે – સંતુલન જાળવીને વિકાસની જે પરંપરા સ્થાપી છે તેમાં ગ્રીન માઈનિંગ, સાયન્ટિફિક રેક્લેમેશન અને ટેકનોલોજી બેઝ્ડ મોનિટરિંગથી માઈનિંગ સેક્ટરનો વિકાસ કર્યો છે.
મુખ્યમંત્રીએ ગુજરાત લિગ્નાઈટ, લાઈમસ્ટોન, બોક્સાઇટ જેવા મુખ્ય ખનિજો માટે મહત્વપૂર્ણ સ્થાન છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ખાણ ખનિજ ક્ષેત્રને માત્ર ઉત્પાદકતા અને ઓક્શન સુધી જ સમિતિ ન રાખતા ગુજરાતે તેને પારદર્શિતા, અનુશાસન અને નિયમો-કાયદાના અમલનું પ્રતીક પણ બનાવ્યું છે.
રાજ્ય સરકારે ખાણથી લઈને અંતિમ સ્થળ સુધીના ખનિજ પરિવહનના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે જી.પી.એસ. વ્હિકલ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ વિકસાવી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે ગુજરાત પોતાની ખનિજ સંપદાઓ દ્વારા વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત @ ૨૦૪૭ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
કેન્દ્રીય કોલસા અને ખાણ ખનિજ મંત્રી જી. કિશન રેડ્ડીએ માઇનિંગ ક્ષેત્રને ભારતના આર્થિક વિકાસ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો મજબૂત આધાર સ્તંભ ગણાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના ‘ગુજરાત ડેવલપમેન્ટ મોડલ’ની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે સમગ્ર દેશ માટે વિકાસનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતના મોડેલને અનુસરીને આજે દેશના અનેક રાજ્યો વચ્ચે વિકાસ અને રોકાણ માટે તંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ છે.
મંત્રીએ છેલ્લા ૧૧ વર્ષમાં માઇનિંગ સેક્ટરમાં આવેલા પરિવર્તનો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં મિનરલ એક્સપ્લોરેશનમાં ૧૯૦ ટકાનો વધારો થયો છે. આયર્ન, લાઈમસ્ટોન, લેડ અને ઝિંક જેવા ખનીજોના ઉત્પાદનમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. પારદર્શક હરાજી પ્રણાલી અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) દ્વારા રાજ્યોની માઇનિંગ રેવન્યુમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.
વિકસિત ભારતના લક્ષ્યને સાધવા માટે ભારત સરકાર દ્વારા લિથિયમ, કોબાલ્ટ અને ટંગસ્ટન જેવા ‘ક્રિટિકલ મિનરલ્સ’ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું કે, ભારત હવે માત્ર ખનિજોના નિષ્કર્ષણ (Extraction) સુધી સિમિત નથી, પરંતુ રિફાઇનિંગ, રિસાયકલિંગ અને રિપ્રોસેસિંગની આખી ‘વેલ્યુ ચેઇન’ પર ધ્યાન આપી રહ્યું છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ઈ-વેસ્ટેમાંથી ક્રિટિકલ મિનરલ્સ રિકવર કરવા માટે વિશેષ યોજનાઓ અમલમાં મુકાઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષો માટે વ્યૂહાત્મક પ્લાન તૈયાર કરવાનો છે. જેમાં ખનિજ બ્લોકની હરાજીથી લઈને ઓપરેશન સુધીનો સમય ન્યૂનતમ કરવો, નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી અને ડિજિટાઈઝેશનનો ઉપયોગ વધારવો, આર એન્ડ ડી (R&D) અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી ભારતને ગ્લોબલ પ્રોસેસિંગ હબ બનાવવા જેવા વિષયો પર મહત્તમ ફોકસ કરવા ઉપરાંત પર્યાવરણની જાળવણી અને સંસાધનોના પુનઃઉપયોગ માટે મંત્રીએ ‘અર્બન માઇનિંગ’ અને ‘વેસ્ટ ટુ વેલ્થ’ના વિચારને વેગ આપવા મંત્રીએ આહવાન કર્યું હતું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વિકસિત ભારત @૨૦૪૭ ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં ખનિજ ક્ષેત્ર અને જળ વ્યવસ્થાપનનો પરસ્પર સમન્વય ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત જ્યારે ‘વિકસિત ભારત’ તરફ ડગ માંડી રહ્યું છે, ત્યારે ખનિજ સંપત્તિ આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓના વિકાસ માટે જરૂરી કાચો માલ પૂરો પાડવામાં આ વિભાગની ભૂમિકા નિર્ણાયક છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખનિજ ઉત્ખનન દરમિયાન પર્યાવરણ અને જળ સંસાધનોની જાળવણી પણ એટલી જ જરૂરી છે. તેમણે ‘માઇનિંગ વિથ માઇન્ડફુલનેસ’નો મંત્ર આપતા કહ્યું કે, પર્યાવરણીય સંતુલન સાથેનું ખાણકામ જ લાંબાગાળાનો ફાયદો આપશે. ખાણકામ પ્રક્રિયામાં પાણીનો રિસાયકલ અને રિયુઝ અનિવાર્ય છે. ભૂગર્ભ જળના સ્તરને નૂકસાન ન થાય તે રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમણે તાકીદ કરી હતી.
મંત્રીએ ઉમેર્યું કે, ભારતને ખનિજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવીને આયાત પરની નિર્ભરતા ઘટાડી શકીએ છીએ, જે દેશના વિદેશી હૂંડિયામણની બચત કરશે અને સ્થાનિક રોજગારીની તકો ઊભી કરશે. શિબિર દરમિયાન તેમણે ખનિજ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરતી ડિજિટલ અને નવીન પદ્ધતિઓની પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી સતિષચંદ્ર દુબેએ ચિંતન શિબિરને ભારતના ખનન ક્ષેત્રના ભવિષ્ય માટેનો નિર્ણાયક માર્ગ ગણાવતાં કહ્યું કે, ‘વિકસિત ભારત’ના લક્ષ્ય માટે વર્ષ ૨૦૨૬ અત્યંત મહત્વનું છે. ઊર્જા સંગ્રહ માટે જરૂરી બેટરી નિર્માણમાં વપરાતા “ક્રિટિકલ મિનરલ્સ” ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સરકાર આ પ્રકારની ખાણોની નિલામી અને ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે. આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક સાધનોનો ખનન ક્ષેત્રે ઉપયોગ અનિવાર્ય છે, જેનાથી માત્ર પ્રક્રિયામાં ઝડપ જ નહીં, પરંતુ પ્રદૂષણ, ખર્ચ અને સમયમાં પણ નોંધપાત્ર બચત થશે.
ખનિજ વિકાસની સાથે પર્યાવરણની જાળવણી પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું કે, ખનનથી થતા નુકસાનની ભરપાઈ માટે વૈકલ્પિક સ્ત્રોતો અને પર્યાવરણનું સંતુલન જાળવવું એ સૌની નૈતિક જવાબદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ ક્ષેત્રમાં માત્ર સરકારની ભાગીદારી પૂરતી નથી, પરંતુ ખાનગી ક્ષેત્રે પણ સરકાર સાથે કદમ મિલાવીને ચાલવું પડશે.
આ ચિંતન શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ખનન સચિવ પિયુષ ગોયલે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મંત્રી કોલુ રવીન્દ્ર, ઓરિસ્સાના મંત્રી વિભૂતિભૂષણ જેના, તેલંગાણાના મંત્રી જી. વેનકેટેશ સ્વામીજી, ઉત્તરપ્રદેશના મંત્રી ડૉ. અરુણકુમાર, નાગાલેંડના મંત્રી ચીનવેંગ, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, ભારત સરકારના કોલસા અને ખનન મંત્રાલય અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
